સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ ‘ગુલિયન બેર સિન્ડ્રોમ’થી પિડીત અમરોલીના ૧૫ વર્ષિય વિરલ પ્રજાપતિને ૨૯ દિવસ વેન્ટીલેટર પર સારવાર આપી મોતના મુખમાંથી ઉગારીને નવી સિવિલના તબીબોએ ડોક્ટર દિનની ઉજવણી સાર્થક કરી છે. તબીબો અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતથી કિશોરને નવજીવન અને તેના પરિવારને ખુશીઓ મળી છે. તબીબોએ ‘ગુલિયન બેર સિન્ડ્રોમ’ની સફળ સારવાર કરતા નાની ઉંમરે મોટી બિમારીને મ્હાત આપવામાં સફળતા મળી છે. હાલ વિરલની તબિયત સ્થિર છે. યોગાનુયોગ આજે તા.૧લી જુલાઈએ વિરલનો પણ જન્મદિવસ હતો, ત્યારે સિવિલના ન્યુરો અને મેડિકલ વોર્ડમાં નર્સિંગ બહેનોએ વિરલના જન્મ દિવસ સાથે ‘ડોકટર દિવસ’ ઉજવીને ખુશીઓ વ્યક્ત કરી હતી.
કિડની બિલ્ડિંગના પાંચમા માળે સારવાર લઈ રહેલા દર્દી વિરલના પિતા પ્રભુભાઈ પ્રજાપતિએ આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, આજથી એક મહિના પહેલા મારો પુત્ર વિરલ સ્કૂલે જવા માટે ઊંઘમાંથી તો જાગ્યો, પણ પથારીમાંથી ઉઠી ન શક્યો. હાથ-પગમાં નબળાઈ અનુભવતાની સાથે બંન્ને પગ નિષ્ક્રીય થઈ ગયા એટલે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને ‘ગુલિયન બેર સિન્ડ્રોમ’ બિમારીની જાણ થતા પગ તળેથી જમીન સરકી ગઈ. આ બિમારી એક પ્રકારના લકવા સમાન છે જેમાં સ્નાયુઓ નિષ્ક્રિય બની જાય છે. ખાનગી હોસ્પિટલમાં બિમારીની સારવાર માટેનો અંદાજે પાંચ થી આઠ લાખ જેવો મોટો ખર્ચ થશે તેમ કહેતા આવી ગંભીર બિમારી સારવાર માટે પૈસા ક્યાંથી લાવીશું એ મોટી ચિંતા થઈ. એટલે અંતે ભગવાને રસ્તો દેખાડ્યો અને વધુ સારવાર માટે વિરલને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે વિરલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે વેન્ટિલેટર પર હતો.
સતત એક મહિના સુધી વેન્ટિલેટર પર સારવાર આપીને સિવિલ હોસ્પિટલના દેવદૂત સમા તબીબોએ મારા દિકરાને નવજીવન આપ્યું છે એમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું. વધુમાં પ્રભુભાઈએ કહ્યું કે, મારા દિકરાનો આજે જન્મદિવસ છે, એની નર્સ અરૂણાબેન પટેલ અને નિતાબેન સહિત નર્સ બહેનોને ખબર પડી એટલે વોર્ડમાં જન્મ દિવસની ઉજવણીની સાથે ડોક્ટર્સ દિવસની ઉજવણી કરી હતી. સિવિલના ન્યુરો ફિઝિશિયન ડો.હરેશ પારેખ, ડો.પરેશ ઝાંઝમેરા, રેસિડેન્ટ ડો.શિખા સહિત નર્સિંગ સ્ટાફની દિવસ-રાતની મહેનતે મારા દિકરાને જીવન જીવવાની નવી દિશા મળી છે. સફેદ એપ્રોનમાં રહેલા દેવદૂત સમાન તબીબોનું ઋણ અમે ક્યારેય નહી ચૂકવી શકીએ.
ડોક્ટર દિવસની શુભેચ્છા પાઠવતા નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું દુઃખ દૂર થાય તેમજ દર્દીના ચહેરા પર સ્મિત આવે અને સઘન સારવાર સાથે સંતોષ મેળવે એજ તબીબો માટે ડોક્ટર દિવસની ઉજવણી છે.