સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં થોડા મહિના પહેલા રિપેરિંગ કામ કરાયું હતું. જેમાં છ માસ અગાઉ રિપેર કરાયેલી સ્પેશિયલ રૂમોમાં રિપેરિંગ કામગીરી ફક્ત કાગળ પર થઈ હોય તેવી હકિકત સામે આવી છે. શહેરમાં વરસાદનું જોર વધવા સાથે સિવિલના સર્જરી વોર્ડ સહિત સ્પેશિયલ રૂમમાંથી 1, 2, 4, 8 અને 7 નંબરની વોર્ડમાં સતત પાણી ટપકી રહ્યું હોવાની ફરિયાદ ઉચ્ચ તબીબી અધિકારીઓને થઈ છે. ઉચ્ચ તબીબી અધિકારીઓ દ્વારા પીઆઈયુના અધિકારીઓને સાથે રાખી સ્પેશિયલ રૂમોમાં રાઉન્ડ લઈ ફરી પાટાપિંડી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક-બે નહીં પણ પાંચ-છ રૂમોમાં પાણી ટપકવાને લીધે કરવામાં આવેલી રિપેરિંગ કામગીરી સામે સવાલ ઊઠવા પામ્યા છે. સિવિલ હોસ્પિટલના સર્જરી અને સ્પેશિયલ વોર્ડની આવી દશાથી દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. તબીબી અધિકારીઓ વચ્ચેના મતભેદના કારણે બિલ્ડિંગને લઈને કોઈ ખાસ નિર્ણય કરવામાં આવી રહ્યો ન હોવાની ચર્ચા ચાલી રહી છે.