સુરત પોલીસ દ્વારા શાંત અને સલામત સુરત તથા નો ડ્રગ્સ ઇન સુરત ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે ઝોન 5 કાર્યક્ષેત્ર હેઠળના ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, પાલ પો.સ્ટે. વિસ્તારમાં કેટલાક પાનના ગલ્લાઓ અને ચાની કીટલી તથા અન્ય આવા અસામાજિક તત્વોની ઉઠક બેઠકવાળી જગ્યાઓ પર આકસ્મિક સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા યોજવામાં આવ્યું હતું. આ કામગીરી કરતા પહેલા પોલીસ દ્વારા સમગ્ર ઝોનમાં આવી કેટલી જગ્યાઓ છે તે બાબતે ખાનગી રીતે જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા આ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરી ત્રણ કલાકમાં કુલ 361 ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ડ્રાઇવમાં પીઆઇ સહીતના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી અને ઉપરી અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહનો વિરૂદ્ધ એમવી એક્ટ કલમ 207 મુજબ 63 કેસ, કાળા કાચવાળા વાહનો તથા ત્રિપલ સવારી પાસેથી 32,300નો દંડ, પીધેલા તથા ડ્રગ્સ લીધેલા ઇસમો વિરૂદ્ધ 12 કેસ, નશો કરીને વાહન ચલાવનાર વિરૂદ્ધ 5 કેસ, હથિયાર સાથે જી.પી.એક્ટ 135ના 22 કેસ, ટ્રાફિક અવરોધ તેમજ પૂર ઝડપે વાહન હંકારનાર વિરૂદ્ધ 28 કેસ, ઇ સિગારેટના 5 કેસ, ગેરકાયદે સ્મોકિંગ ઝોનના 3 કેસ, ગેરકાયદે ચિલમ હુક્કાના 8 કેસ, ફોઇલ પેપર-સિગારેટ પેપરના 9 કેસ આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓ/ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ વિરૂદ્ધ 34 કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તડીપાર હુકમ ભંગના 2 કેસ કરવામાં આવ્યા હતા. આમ 3 કલાકની અંદર જ પોલીસ દ્વારા 361 ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને 32,300નો દંડ વસુલવામાં આવ્યો હતો.