ગાંધીના ગુજરાત માં દારૂ બંદી હોવા છતાં સુરત શહેરમાં સમયાંતરે દારૂના વેચાણને લઈને ચર્ચા થતી રહે છે. અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો પણ થતા રહે છે. જોકે કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના વીડિયો પણ સામે આવે છે. હાલમાં જ વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જહાંગીરપુરામાં બે રોકટોક રીતે દારૂનું વેચાણ થતું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. તમારે જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર દારૂનું વેચાણ થતું હોવાનું આવશે તો કાયદેસરનાં પગલાં લઈશું.
હાલ એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વિસ્તારમાં તાપી નદી કિનારે ઇન્ટેકવેલ પાસે દારૂનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે. જોકે મહત્ત્વની બાબત એ છે કે ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ વિસ્તારમાં દારૂનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે. કેટલીક વખત અહીં દારૂ પીવા આવતા લોકો સાથે સ્થાનિક લોકોની માથાકૂટ થતી રહે છે.
ગઈકાલે તાપી નદીના જન્મદિવસની ઉજવણીનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોના ધ્યાનમાં વાત આવી હતી કે ઈન્ટેકવેલ અને વોકવેના રસ્તો પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દર રોજ મોડી સાંજે મોટી સંખ્યામાં લોકો અહીં દારૂ પીવા માટે પહોંચી જાય છે. આ જ સમયે કેટલાક પરિવારના લોકો પણ તાપી નદીના કિનારે ચાલવા નીકળતા હોય છે. પોતાના વિસ્તારમાં બેફામ રીતે થતા દારૂના વેચાણ અંગે પણ સ્થાનિક પોલીસને જાણ ન હોય એ માની શકાય નહીં. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને પગલાં લેવા જોઈએ.