સુરત એરપોર્ટના નવા ડિરેક્ટર રૂપેશકુમાર લોહાનીએ લાલઆંખ કરી છે અને ફ્લાઇટને ટેકઓફ તેમજ લેન્ડીંગને લઇને ઓબસ્ટ્રેકલમાં જે પણ બિલ્ડિંગો નડતરરૂપ હોય તે અંગે એરોડ્રમ વિભાગ દ્વારા જરૂરી સર્વે કરાયા બાદ છેલ્લા ચાર મહિનામાં અંદાજીત 14 જેટલી બિલ્ડિંગોને નોટિસ અપાઇ હોવાની વિગતો મળી છે. સુરત એરપોર્ટનો જ્યારે વિકાસ થયો ન હતો તે સમય દરમિયાન વેસુ વિસ્તારમાં બિલ્ડરો અને સ્થાનિક તંત્રના મેળાપીપણામાં એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી વગર જ ઊંચી હાઇરાઇઝ બિલ્ડિંગો તાણી દેવાઇ હતી. જેનુ નુકસાન આજે પણ સુરત એરપોર્ટ ભોગવી રહ્યું છે. હયાત 2800 મીટરના રનવેની સામે 650 મીટરનો રન-વે બાદ કરીને હાલમાં માત્ર 2250 મીટર જ રનવેનો ઉપયોગ થઇ રહ્યો છે. 2006થી લઇને 2014 સુધીના 7 વર્ષના સમયગાળા દરમિયાન એરપોર્ટ ઓથોટિરીની પણ બેદરકારીને કારણે ઓબસ્ટ્રેકલ સર્વે કરાયો જ ન હતો અને તે જ કારણોસર આ મોટી બિલ્ડિંગો બની ગઇ હતી. હાલમાં આ મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.