જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગના ત્રણ માળિયા મકાનનો એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે જેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી. હજી વધુ લોકો દટાયા હોવાની આશંકાના પગલે હાલ ડોગ સ્કવોડની મદદ લઈ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. કાટમાળમાં કેટલાક લોકો દટાયાની પૂરતી શક્યતા છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ઈમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા.
દુર્ઘટનામાં મૃતકોના નામ : મિત્તલબેન જયપાલ સાદિયા (35 વર્ષ), જયપાલ રાજુભાઈ સાદિયા (35 વર્ષ), શિવરાજ જયપાલ સાદિયા (4 વર્ષ), દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોના નામ : કંચનબેન મનસુખભાઈ જોઈશર, પારુલબેન અમિતભાઈ જોઈશર, હિતાંષી જયપાલ, દેવીબેન, રાજુભાઈ ઘેલાભાઈ, આંકડો વધીને વધારે પણ હોઈ શકે છે.