સુરત એરપોર્ટથી ડુમસ રોડ તરફ ટીપી રોડને નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે ટીપીને ધ્યાનમાં રાખીને રોડ ઉપર જે બાંધકામ હતા, તે પૈકીના કેટલાક બાંધકામને દૂર કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મનો પણ કેટલોક ભાગ આવતા તેને પણ તોડી પાડીને દૂર કરાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઇન્દ્રરાજ ફાર્મ આવેલું છે. જેનો કીચન સહિતનો ભાગ રોડ એલાઇમેન્ટમાં હતો. હાલમાં જ ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી કરાતાં ફાર્મના અમુક ભાગનું ડિમોલિશન કરીને રસ્તો ખુલ્લો કરાયો છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતુ કે, અહિંથી રસ્તો નીકળતો હોવાથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના પગલે માત્ર દીવાલ જ નડતરરૂપ હોવાથી તેને સ્વૈચ્છિક રીતે તોડી પાડવામાં આવી છે.
સુરત ડુમસ રોડ પર થતાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે ડુમસ ગામ સહિતના વિસ્તારોને જોડતા કનેક્ટિવ રસ્તાઓને ખુલ્લા કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. ઝંખના પટેલના ફાર્મ હાઉસ પાસેથી પસાર થતો રસ્તો સીધો ડુમસ મેઇન રોડથી ડુમસ બજારને જઇને મળે છે. રસ્તો ખુલ્લો કરવા માટે અઠવા ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ઝંખના પટેલના ઇન્દ્રરાજ ફાર્મ હાઉસમાં આવેલી ખુલ્લી જગ્યા ઉપર પણ બાંધકામનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે. ઝંખના પટેલ જયારે ધારાસભ્ય હતા ત્યારે મનપા દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પૂર્વધારાસભ્યના દબાણને પગલે ફાર્મનું ડિમોલિશન થઇ શક્યુ નહોવાનું પણ કોર્પોરેશનમાં ચર્ચા ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતનો સંકોચ વગર એલાઈમેન્ટમાં આવતા ફાર્મ હાઉસનો ભાગ તોડી પાડ્યો છે