સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ 25 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવી છે. જેને કારણે સુરત શહેરને સૂર્યનગર તરીકે ઓળખવામાં આવતું હતું. એકમાત્ર એવી નદી છે કે, જેનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા રૂગંટા પરિવાર દ્વારા આ ચૂંદડી દર વર્ષની માફક આ વર્ષે પણ અર્પણ કરવામાં આવશે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે આવેલા ઘાટ ઉપર તાપી નદીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ઝીણોધાર ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યું હતું કે, અષાઢી બીજ સાતમના દિવસે તાપી માતાનો જન્મદિવસ ઉજવવાની પરંપરા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ માતાને ભક્તો દ્વારા 1100 મીટરની ચૂંદડી ચડાવવામાં આવશે. 25 જૂનના દિવસે કાર્યક્રમ પહેલા શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતેના ઘાટની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો ગાયત્રી પરિવારના લોકો તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના લોકો કામે લાગ્યા છે. મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો જોડાશે અને ખૂબ જ આસ્થા અને ભાવપૂર્વક તાપી નદીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તમામ લોકોને અમારી અપીલ છે કે, તાપી નદીમાં પ્રદૂષણ ન ફેલાય તેના માટેની વ્યક્તિગત રીતે લોકોએ કાળજી લેવી જરૂરી છે.