અઠવાલાઈન્સ સ્થિત સુરત જિલ્લા ન્યાયાલય પરિસરની બહાર તાજેતરમાં જાહેર રોડ પર હત્યાનો બનાવ બન્યો હતો. તદુપરાંત કોર્ટ બિલ્ડીંગના ટોયલેટ બ્લોકમાંથી ચપ્પુ મળી આવ્યું હતુ. જેની તપાસમાં કોર્ટ કેસની મુદતે આવનાર કાચા કામના કેદી પર હુમલો કરવામાં આવે તેવું ખુલવા પામ્યું હતુ. ભૂતકાળમાં પણ કોર્ટ બિલ્ડીંગની બહાર ચકચારી અમિત કપાસીયાવાલા હત્યા કેસથી માંડીને સંજય બડગુજર હત્યા કેસ બનવા પામ્યો હતો. સુરત કોર્ટ બિલ્ડીંગની બહાર તાજેતરમાં બનેલા મર્ડરની ઘટનાના પગલે કોર્ટ બિલ્ડીંગમાં અવર જવર કરતાં વકીલો,પક્ષકારો,કોર્ટ કર્મચારીઓ તથા ન્યાયમૂર્તિઓની સલામતીના મુદ્દે વધુ એકવાર ડીસ્ટ્રીક્ટ જજ તથા બાર એસો.ના હોદ્દેદારોની મીટીંગ મળી હતી.
સુરત કોર્ટમાં પક્ષકારો,વકીલો,જજો તથા કોર્ટ કર્મચારીઓની સલામતીના મુદ્દે ડીસ્ટ્રીક્ટ જજ વિમલ કે.વ્યાસ,ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા બાર એસો.પ્રમુખ પી. ટી. રાણા, મંત્રી હિમાંશુ પટેલ સહિતના હોદ્દેદારો વચ્ચે મંત્રણા હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરત કોર્ટ બિલ્ડીંગમાં રોજીંદા કેસોમાં આવતા પક્ષકારો,વકીલો,કાચાકામના કેદીઓ, પોલીસ સ્ટાફ તથા કોર્ટ કર્મચારીઓની સલામતી માટે કોર્ટ બિલ્ડીંગના મુખ્ય ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવા,મેટલ ડીટેકટર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટ બિલ્ડીંગની મુખ્યગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા બાદ મેટલ ડીટેકટર મુકવામાં આવ્યું નહોતુ. સુરત કોર્ટ બિલ્ડીંગમાં મુખ્ય ગેટ પર મેટલ ડીટેકટર મુકવા સાથે બે મહીલા પોલીસને પણ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે કોર્ટ બિલ્ડીંગમાં પ્રવેશનાર વકીલો,પક્ષકારો,કોર્ટ કર્મચારીઓએ પોતાના આઈકાર્ડ સાથે રાખીને તપાસમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્ટ બિલ્ડીંગમાં આવતા શંકાસ્પદ પક્ષકારોની સઘન તપાસ હાથ ધરવામાં આવશે.