ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, સામાજિક ભાગીદારીથી શરૂ કરવા માટે આયોજન કર્યું છે. સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અંતર્ગત સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાએથી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગુજરાત રાજ્યમાંથી 4,22,325 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેની મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછામાં ઈશ્વર પેટલીકર સ્કૂલ ( શાળા ક્રમાંક 16) આવી છે. આ સ્કૂલ માં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. હાલમાં લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આ સ્કુલની વિદ્યાર્થીનીઓ ઝળકી છે. આ ટેસ્ટમાં સ્કુલની 54 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 51 વિદ્યાર્થી મેરીટમાં આવી છે. જાહેર કરાયેલા પરિણામમાં આ સ્કૂલ સુરત પાલિકાની સૌથી પહેલી સ્કુલ અને રાજ્યની ટોપ ટેન સ્કૂલમાં પાંચમો નંબર આવ્યો છે. શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાનું જ્ઞાન ચકાસવા માટે પરીક્ષા આપી હતી જેમાં તેઓ સફળ થયા છે. થોડા સમય પહેલા આ કન્યા શાળામાં ગુણોત્સવ કરવામાં આવ્યો હતો જેમાં 94 ટકા સાથે રાજ્યમાં બીજા ક્રમે આવી હતી.