સુરતમાં ચાલતી મેટ્રોની કામગીરીને કારણે ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે તેવો મેટ્રોનો દાવો પોકળ હોવાનું સામે આવ્યું છે. મેટ્રો દ્વારા કામગીરી પુરી કર્યા બાદ યોગ્ય પુરાણ કે વોટરીંગ ન કરતા લંબે હનુમાન રોડ વિરાટ નગરથી સાગર સુધી ચાર દિવસ પહેલા જ રોડ બનાવ્યો હતો. તેમાં મોટા ભુવા પડી ગયા છે. આ કામગીરી મેટ્રોની છે તેથી પાલિકાએ મેટ્રોના અધિકારી સાથે બેઠક કરીને આ ક્ષતિ તાત્કાલિક દુર કરવા માટે સૂચના આપી છે. જે રોડ પર ભુવા પડ્યા છે તે વિસ્તારમાં નાના મોટા વાહનોની અવરજવર સતત રહે છે. આ અંગેની ફરિયાદ બાદ પાલિકા તંત્ર પણ દોડતું થયું છે. પાલિકાએ મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરીને આ ભુવા પુરવાની અને યોગ્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવા માટે સુચના પણ આપી છે.
હાલમાં મેટ્રો દ્વારા કાપોદ્રાથી રેલવે સ્ટેશન સુધીના અન્ડર ગ્રાઉન્ડ રુટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દરમિયાન થોડા સમય પહેલાં જ વરાછા ઝોનમાં આવેલા લંબે હનુમાન રોડથી વિરાટ નગર સુધીના રોડ પર કામગીરી કરી હતી અને ચાર દિવસ પહેલા કામગીરી પુરી થતાં રોડ પણ બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ રોડ બનાવવા પહેલા વોટરિંગ અને પુરાણની કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાથી આજે સવારથી આ રોડ પર અનેક જગ્યાએ મોટા ભુવા પડી ગયા છે.