સુરતમાં વાવાઝોડાની અસર સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. બે દિવસથી 30થી વધુ ઝાડ પડી ગયા છે. 50 કિમીની આસપાસની ઝડપે સુરતમાં પવન ફૂંકાઇ રહ્યો છે. આ પવન સામે તકેદારીના ભાગ રૂપે પાલિકાએ જોખમી હોર્ડિંગ્સ દૂર કરી દીધા છે. દરમિયાન રાંદેર વિસ્તારમાં કોઝવે નજીક નબળો લાઇટ પોલ ભારે પવનના કારણે તૂટીને એક દોડતી બાઇક પર પડ્યો હતો. બાઇટ પર એક મહિલા અને પુરુષ સવાર હતા. તેમાંથી મહિલા ઉપર લાઇટ પોલ પડતાં ઇજા થઈ હતી. આ બનાવ બનતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતી હતી. આ બનાવ બાદ પાલિકા તંત્ર પણ દોડતું થયું છે અને વીજ પોલ ખસેડવાની કામગીરી કરવા સાથે સાથે અન્ય પોલની ચકાસણીની કામગીરી પણ હાથ ધરી છે.