સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં પ્રવેશોત્સવમાં સતત બીજા દિવસે ધોરણ 1માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા દિવસની જેમ જ આજે બીજા દિવસે પણ ધોરણ 1માં પ્રવેશ આપવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી અને પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓના કુમકુમ પગલાં બનાવીને તેમના વાલીને આપવામાં આવ્યા હતા. બીજા દિવસની પ્રવેશોત્સવની પ્રક્રિયામાં કોમી એખલાસ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સુરત પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 164 અને શાળા ક્રમાંક 156 ની શાળા ઉર્દુ માધ્યમના શાળા છે અને આ બન્ને શાળામાં લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ વિદ્યાર્થીઓને પણ ધોરણ 1માં પ્રવેશ આપવામા આવ્યો ત્યારે અન્ય માધ્યમની જેમ જ લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને પણ કુમકુમ પગલાં કાગળમાં પાડીને તે પગલાં તેમના પ્રવેશની યાદગીરી રૂપે તેમના વાલીઓને આપવામાં આવ્યા હતા. આ ઉપરાતં પાલિકાની સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ વખતે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો. તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અને મહાનુભવો સેલ્ફી પાડીને તેમના વાલીઓને યાદગીરી રૂપે આપવામાં આવતી હતી. પાલિકા દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે કરવામાં આવતી પ્રવૃત્તિના કારણે પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.