સુરત, દરિયામાં ઉભા થયેલા બિપર જોય વાવાઝોડાની અસરથી સુરતમાં પવન ફૂંકાઈ રહ્યો છે. ફાયર વિભાગની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવા સાથે સાથે કર્મચારીઓની રજા ૧૫ જૂન સુધી રદ્દ કરવાનો આદેશ થયો છે. આ ઉપરાંત તમામ ઝોનમાં કંટ્રોલશુરુ કરીને તમામ વિભાગ સાથે સંકલનમાં રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં જે જર્જરિત ઇમારતો છે તેમાંથી વસવાટ ખાલી કરાવી દેવા માટે પણ સુચના આપવામા આવી છે. જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા એજન્સીઓને સૂચના અપાઇ છે.
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, શેલ્ટર હોમ તૈયાર કરવા ટીમની તૈયારી પણ કરી દેવાઇ છે. જાનમાલની સલામતી માટે ફાયર વિભાગને તાકીદ કરાઇ છે. ફાયર વિભાગ ની 18 ટીમ તૈયાર છે. ભારે પવનના કારણે શહેરમાં વૃક્ષ પડી જાય તો મોટા વૃક્ષ ના તાત્કાલિક કટીંગ માટે 74 મશીન ગોઠવી દેવામાં આવ્યા છે. ફાયર વિભાગની ૩૨ બોટ છે તેને પણ તૈનાત કરવામાં આવી છે. ફાયર વિભાગના 600 જેટલા લાઈફ સેવિંગ જેકેટ છે તે સહિતના સાધનોને રેડી રાખવા માટે ફાયર વિભાગને સૂચના આપવામાં આવી છે. આજે 20થી વધુ સ્થળે વૃક્ષતૂટી પડયા હતા તેને તાત્કાલિક દુર કરાયા હતા.