સુરતમાં કોસંબા પોલીસે 75.26 લાખની કિમતનો 752.649 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોસંબા પોલીસે ચોક્કસ બાતમીના આધારે કુંવરદા ગામની સીમમાં આવેલી શિવ શક્તિ રેસીડેન્સી પાસેથી વાહનોમાં સંતાડેલો 75.26 લાખની કિમતનો 752.649 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે કેદારનાથ પ્રકાશ ચંદ્ર મહંન્તી ,બલરામ કોરાપ્રસાદ મહંતિ,શિબારામ ભાસ્કર ગૌડા અને સંતોષ બાપુજી મહંતિની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 75.26 લાખની કિમતનો ગાંજાનો જથ્થો, 99,500ની કિમતના 8 મોબાઈલ અને 5.50 લાખની કિમતના 5 વાહનો અને 36,670 રોકડા રૂપિયા મળી કુલ 82.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ઘટનામાં માલ મોકલનાર ગૌરીશંકર પ્રકાશચંદ્ર મહંતિ અને કે.આર.ટી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલા ચારેય આરોપીઓ પૈકી કેદારનાથ પ્રકાશચંદ્ર મહંન્તી છૂટકમાં તથા જત્થાબંધ ગાંજાનું વેચાણ કરતો હોય જેથી તેના ભાઈ વોન્ટેડ આરોપી ગૌરીશંકર પ્રકાશચંદ્ર મહંતિ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપી કે.આર.ટી. નામના ઇસમ પાસેથી ખરીદીને મોકલતો હતો અને કેદારનાથ જાતે તથા તેનો ભાઈ ફોન પર જેને ગાંજાનો જથ્થો જથ્થાબંધ આપવાનું જણાવી તેનું વેચાણ કરતો હતો. આરોપી કેદારનાથે આ ગાંજાનો જથ્થો સપ્લાય કરવા માટે શીબારામ, સંતોષ તથા બલરામને રાખ્યા હતા અને તેઓ મારફતે તથા જાતે તેના ભાઈ ગૌરી શંકરે ગાંજાનો જથ્થો સપ્લાય કરવા ખરીદેલા છોટાહાથી ટેમ્પો તથા અલ્ટો ગાડી, એકટીવા અને તેના મિત્રની બાઈક મારફતે સપ્લાય કરતા હતા. હાલમાં પકડાયેલો ગાંજાનો જથ્થો ગૌરીશંકરએ કે.આર.ટી.પાસેથી ખરીદી તેના મારફતે ટ્રક દ્બારા કામરેજ વિસ્તારમાં ને.હા. નબર 48 પર આવેલા રાજ હોટેલ પાસેથી છોટાહાથી ટેમ્પામાં ભરી કુંવરદા ગામની સીમમાં આવેલી શિવશક્તિ રેસીડેન્સી ખાતે મકાન ભાડે રાખી ત્યાં ટેમ્પો, અલ્ટો કાર તથા અન્ય એક ટેમ્પામાં ભરી છુપાવી રાખ્યો હતો અને ત્યાંથી છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરવાના હતા. હાલ આ સમગ્ર મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.