બિપોરજોય વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ દેખાઈ રહી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે પવનની ગતિમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેમ ભારે પવન ફુકાયો હતો. દરિયામાં પણ કરંટ સાથે ઉચા મોજા ઉછળી રહ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 10 જેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં અલથાણ ધીરજ સન્સ પાસે, લસકાણા મારુતિ ઇન્ડસ્ટ્રી પાસે, ઘોડદોડ રોડ આદર્શ સોસાયટી પાસે, અડાજણ પવિત્ર રો હાઉસ પાસે, ન્યુ સીટી લાઈટ રોડ અણુવ્રત દ્વાર પાસે, અઠવા લાઈન્સ ગોકુલમ ડેરી પાસે, રંગર ગોપીનાથ સોસાયટી પાસે, અડાજણ બાપ્સ મંદિર પાસે મળી 10 જેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટના સામે આવી હતી.
અડાજણ આનંદ મહલ રોડ પાસે એક ઝાડ તૂટીને ફોરવ્હીલ પર પડ્યું હતું. જેને લઈને ફોરવ્હીલમાં નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ પણ જગ્યાએથી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઝાડ પડવાની ઘટનાને લઈને ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. આગામી કલાકોમાં વાવાઝોડાની વધુ અસર દેખાય તેવી પૂર્ણ શક્યતાઓ છે ત્યારે ફાયર વિભાગ પણ એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે.