સુરતના હજીરા વિસ્તારમાં એક રાષ્ટ્રીયકૃત કંપનીમાં કામ કરતા CISF જવાનની પત્ની પર તે જ કંપનીમાં કામ કરતા સ્વીપરે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી સ્વીપરની પરિણીત છે અને એક બાળકનો પિતા પણ છે. મામલો પ્રકાશમાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, CISFમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જવાનની પત્ની તથા બે સંતાન સાથે વેસુ વિસ્તારની કોલોનીમાં રહે છે. બે મહિના અગાઉ CISFમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા હમવતની સુનિલકુમાર વેદ પ્રકાશ (ઉંમર વર્ષ 32) મૂળ રહે. બબેદ પાણીપત હરિયાણાનો, જે હજીરાની રાષ્ટ્રીયકૃત કંપનીમાં પોસ્ટિંગ થતા ફરિયાદીના પડોશમાં રહેવા આવ્યો હતો. સુનિલનો પરિવાર વતનમાં હોવાથી કોન્સ્ટેબલના ઘરે જમતો હતો. આ દરમિયાનમાં સુનિલે કોન્સ્ટેબલની પત્નીને ઉશ્કેરતા કહ્યું હતું કે, તારો પતિ સવારે મોર્નિંગ વોકમાં જાય ત્યારે મહિલા અને યુવતીઓને જુએ છે. કોઈક સાથે તેને પ્રેમ સંબંધ પણ છે. જે બાદ 24 મેના રોજ જવાન જ્યારે સવા પાંચ વાગ્યે નોકરી પર જવા નીકળ્યો, ત્યારબાદ 15 મિનિટ પછી સુનિલ અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો. નિંદ્રાધિન બે સંતાનની હાજરીમાં કોન્સ્ટેબલની પત્ની સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી.
ધમકીથી ડરીને જવાનની પત્નીએ કોઈને કંઈ કહ્યું નહીં. ગત રાતે કોન્સ્ટેબલ નાઈટ શિફ્ટમાં ગયો હતો અને તેની પત્ની તથા બે સંતાન, નણંદ સાથે સુતી હતી. ત્યારે સુનિલ અચાનક સવારે 5:00 વાગ્યાના અરસામાં ઘરમાં ઘૂસી ગયો હતો અને જબરદસ્તી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોન્સ્ટેબલની પત્ની ઇન્કાર કરતા તેને મોઢા તથા કમરના ભાગે ઢીકા-મૂક્કાનો મારમારી નાસી ગયો હતો. નાઈટ શિફ્ટમાંથી પતિ જ્યારે પરત આવ્યો, ત્યારે હમવતની એવા સુનીલની કરતૂત અંગે જાણ થતા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી સુનિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સુનીલ પણ પરણિત છે અને એક સંતાનનો પિતા છે.