સુરતના પાંડેસરા વિસ્તારમાં આર્થિક સંકડામણને લઈને લુમ્સના કારખાનેદારે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૂળ મહેસાણાના વતની સુરત શહેરના અલથાણ ભીમરાડ કેનાલ રોડ ખાતે આવેલ આકાશ એસ્ક્લેવમાં રહેતા સીતારામ કાંતિભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પાંડેસરા વડોદ ગામ ખાતે આવેલ મિનરવા ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં લૂમ્સનું કારખાનું ધરાવતા હતા. આ દરમિયાન ગઈકાલે સાંજે 43 વર્ષીય સીતારામ ખાતાના ત્રીજા માળે આવેલ ઓફિસની અંદર પંખાના હુક સાથે દોરી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાને પગલે કારીગરો સહીત ત્યાં હાજર લોકો ચોકી ઉઠ્યાં હતા. આ ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આઘાતના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના ભાઈ જયેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી લુમ્સ ખાતામાં કાપડનો ઓર્ડર નહીં મળવાથી ભાઈ ટેન્શનમાં રહેતો હતો. ધંધામાં મંદી હોવાના કારણે આર્થિક સંકડામણથી જ પોતાના જ લુમ્સ ખાતામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મને પણ આ બાબતે કોઈ જાણ કરી ન હતી. ધંધામાં મંદીના કારણે માનસિક ટેન્શનમાં આવી સીતારામભાઈએ આ પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સીતરામભાઈને બે સંતાન છે. જેથી કારખાનેદારના આપઘાતના પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.