સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ગ્રામ્ય SOGમાં ફરજ બજાવતા જગદીશ ભાઈ તેમજ રોહિત ભાઈને બાતમી મળી હતી કે, નવી પારડી ગામની સીમમાં આવેલા થારોલી ફળીયામાં રહેતા ભાવેશ મકવાણા નામના ઇસમે તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં આવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જથ્થો રાખેલો છે. માહિતીના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરતા 24 લાખ 47 હજાર 400 રૂપિયાની કિમતનો 244.740 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ઘટનામાં ભાવેશ ભૂપતભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. તેમજ બે મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી કુલ 24.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલો ઇસમ ભાવેશ છૂટકમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરતો હતો. જેથી તે સુરતના કાલુ નામના ઇસમ પાસેથી પણ ગાંજાનો જથ્થો ખરીદતો હતો અને આરોપી ભાવેશ અને કાલુ તથા કાલુના માણસે મળી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવી આરોપી ભાવેશે તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં ગાય ભેસના ગમાણની પાછળ બનાવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. જેમાંથી તેઓ બંને છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરતા હતા. વધુમાં પોલીસે આ ઘટનામાં કાલુ તથા તેના માણસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.