સુરત શહેરના 2020 ના વિસ્તરણ બાદ સુરત મહાનગરપાલિકા આરોગ્ય અને શિક્ષણની સેવા પર વધુ ભાર મૂકી રહી છે. શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધી તે માટેના પ્રયાસો સાથે સાથે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર નજીક જ આરોગ્યની સુવિધા મળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નવા 40 આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે જેમાં પહેલા તબક્કામાં 10 આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે. સુરત શહેરમાં હાલના તબક્કે 60 જેટલાં અર્બન હેલ્થ સેન્ટર અને આઠ સીએચસી ચાલી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં શહેરના શ્રમિક વિસ્તારોમાં પણ આરોગ્યની સુવિધાનો વ્યાપ વધારવા તથા મહત્તમ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાના હેતુ સાથે નાના સુવિધાયુક્ત હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવશે.
શહેર વિસ્તારમાં 40 આરોગ્ય કેન્દ્ર પૈકી પહેલા તબક્કામાં 10 આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ આરોગ્ય કેન્દ્રમાં બ્રેસ્ટ કેન્સર, ડાયાબિટિશ, હાઇપરટેન્શન, તમાકુથી થતાં રોગોના નિદાન તથા ટેસ્ટિંગની સુવિધા ઉપરાંત યોગાની સુવિધા માટે આયોજન થઈ રહ્યું છે. પાલિકા નવા ચાલીસ હેલ્થ સેન્ટર શરૂ કરશે તેનો સમય સવારે 9 થી બપોરે 1:00 તથા સાંજે 5 થી રાત્રે 9:00 કલાકનો રહેશે. આરોગ્ય કેન્દ્રમાં એક એમબીબીએસ ડોક્ટર ઉપરાંત પાંચ કર્મચારીઓનો આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહેશે તે મુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં વિસ્તારમાં 20,000 ની આસપાસ વસ્તી હોય તેવા પોકેટમાં આવા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે તબીબ અને સ્ટાફની ભરતી માટે પણ કવાયત શરૂ થઈ ગઈ છે. પાલિકા દ્વારા બનાવવામાં આવનાર આવા હેલ્થ સેન્ટરોમાં નોનકોમ્યુનિકેબલ ડિસિઝ (એનસીબી) પ્રકારની સુવિધાઓ દરદીઓ, જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવશે.