સુરત શહેરમાં સ્પીડમાં ચાલતા વાહનોના કારણે રોજબરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે અને તેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી જ ઘટના સુરતના અમરોલીમાંથી સામે આવી છે, જેમાં એક બાળકીનું મોત થયું છે અને અન્ય એકને ઈજા થઈ છે. બાળકીના મોત બાદ પરિવારમાં આ ઘટનાને લઈને શોકની સાથે સાથે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ટેમ્પોચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો.
મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના નિવાસી દિનેશભાઈ કટારા અમરોલી વિસ્તારમાં ગટરલાઈન નાંખવાનું કામ કરે છે અને મારુતિગામ પાસે પત્ની અને બે બાળકો સાથે રહે છે. ગત રોજ રાત્રે કચરાની ગાડીએ એમના બંને બાળકોને અડફેટે લીધા હતા. જેમાં દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીને પગના ભાગે ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ પિતાની ફરિયાદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે ટેમ્પો નંબર આધારે ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે. જો કે, પરિવારે નાનો દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.