વિજીલન્સના દરોડાના કારણે કતારગામ પીઆઇને વિશેષ શાખામાં મુકાયા છે, ત્યારે હવે ઉધના પીઆઇની બદલી થાય છે કે નહીં. તેની ઉપર સૌની નજર છે. વિજિલન્સ વિભાગે હાલમાં છ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઉધનાના પટેલનગર હેગડીવાડ વસાહતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પડાયો હતો. આવિર્ભાવ સોસાયટીની નજીક વિજયનગરમાં રહેતો રાજુ બાલુભાઇ પાટીલ તેમજ ખટોદરાના હાંડી મહોલ્લામાં રહેતો અજય ગોપાલભાઇ રાઠોડને દારૂ વેચતા પોલીસે રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે રૂા. 43 હજાર કિંમતની 225 વિદેશી દારૂની બોટલો, તેમજ રૂ. 1310નો 65 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. 10 મોબાઇલ અને ચાર મોટરસાઇકલ મળી કુલ 2.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનો વેપલો થઇ રહ્યો હોવાની માહિતી છતાં પણ ઉધનાના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો ન હતો અને આખરે વિજિલન્સ વિભાગમાં ફરિયાદ થતા તેઓએ રેડ પાડીને દારૂ પકડી પાડ્યો હતો.
વિજિલન્સ વિભાગે હાલમાં છ આરોપીયો વિશાલ વિનોદચંદ્ર જરીવાલા, દિપક પટેલ, અક્ષય પટેલ, ત્રિલોકચંદ્ર ઉર્ફે તિલક, મુકેશ ઉર્ફે કાલુ, અશોક રાજપુતભાઇ વિશ્વકર્મા – મકાન માલિકને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉધનામાં ખુલ્લામાં વેચાતા દારૂને લઇને કેટલાક લુખ્ખા અને અસામાજીક તત્ત્વો બેફામ દારૂ પીવે છે અને કઢંગી હાલતમાં જ્યાં મન પડે ત્યાં સૂઇ જાય છે. ગંદી ભાષામાં વાતો કરે છે અને મહિલાઓની છેડતી પણ કરતા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. કેટલાક દારૂડિયા ગાળાગાળી અને મારામારી સુધી પણ પહોંચે છે, ઉધના લુહાર ફળિયાની અંદર છેડતીના બનાવો છતાં પોલીસ નક્કર પગલાં લેતી નથી.