સુરત શહેરનાં લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે પ્રાણીઓની કતલ કરતાં કસાઈઓ બેફામ બની ગયાં છે. ગેરકાયદે કતલ માટે પ્રતિબંધ હોવા છતાં લિંબાયત વિસ્તારમાં અનેક જગ્યાએ પ્રાણીઓની ગેરકાયદે કતલ થઈ રહી છે. આ ઉપરાંત બેફામ બનેલા કસાઈઓ પાલિકા કે પોલીસથી ડરતા ન હોય તેમ પાલિકાની આંગણવાડીનો ઉપયોગ કતલખાનાના ઢોરને બાંધવા માટે કરી રહ્યાં છે. આગામી દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આવા માથાભારે કસાઈઓને કારણે સુરતની શાંતિમાં ભંગ પડે તેવી ફરિયાદ કરવામાં આવી છે. ભારતીય ગૌ રક્ષા મંચે સુરત પાલિકા અને પોલીસને આ અંગે ફરિયાદ કરી બેફામ બનેલા કસાઈઓને રોકવા માટેની માગણી કરી છે.
પાલિકા અને પોલીસને કરેલી ફરિયાદમાં ભારતીય ગૌરક્ષા મંચે કહ્યું છે, લિંબાયતના ખ્વાજા નગરમાં ગેરકાયદે કતલખાના આજે પણ ધમધમી રહ્યા છે. જાનવરોની કતલ બાદ વધેલા અંગોને નજીકમાંથી પસાર થતી ખાડીમાં સીધા જ નાખી દેવામાં આવે છે, જેના કારણે ભારે ગંદકી થઈ રહી છે અને ડ્રેનેજની સમસ્યા પણ વધી રહી છે. હવે બેફામ બનેલા કસાઈઓએ પાલિકાની આંગણવાડી જ્યાં નાના ભુલકાઓ જાય છે તેને પણ છોડી નથી અને પાલિકાની આંગણવાડીમાં કતલખાને આવેલા જાનવરોને બાંધી દેવામાં આવે છે. આની માઠી અસર બાળકો પર પડે છે અને સરકારી મિલ્કતનો ગેરકાયદે કતલખાના માટે ઉપયોગ થઈ રહ્યો છે. તે ઘણો જ ગંભીર અપરાધ છે તેથી આવી પ્રવૃત્તિ દૂર કરવા માટેની માગણી કરવામાં આવી છે.