ઉધના વિસ્તારના લુહાર ફળિયામાં અને એની આસપાસ કેટલાક દારૂના અડ્ડાઓ બે રોકટોક રીતે ચાલી રહ્યા છે. દારૂના અડ્ડા ચાલતા હોવાની સ્થાનિકો દ્વારા વારંવાર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ પોલીસે કોઈ પગલાં લીધાં નથી. જોકે આશ્ચર્યની વાત એ છે કે દારૂના અડ્ડા ચાલતા હોવાને કારણે વહેલી સવારે અને રાત્રે પણ દારૂડિયાઓ ઘરની આગળ આવીને સૂઈ જાય છે. ગમે ત્યાં મહિલાઓની સામે પેશાબ કરવા ઊભા રહી જાય છે. ગંદી ભાષામાં વાતો કરે છે અને ઘણી વખત તો મહિલાઓની છેડતી પણ કરતા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. ઉધના વિસ્તારમાં ઠેર-ઠેર દેશી દારૂની પોટલીઓ દેખાતી હોય છે, જેના પરથી સ્પષ્ટ માલૂમ થાય છે કે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના પણ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. દેશી દારૂની લતે ચડેલા લોકોના કારણે સ્થાનિક લોકો પણ ખૂબ જ પરેશાન છે.
લુહારનગરના કેટલાક લોકોએ એકત્રિત થઈને તેમને ઉઠાડ્યા હતા અને ત્યાંથી ભગાડ્યા હતા, જેનાં દૃશ્યો સામે આવ્યાં છે, એ ખરેખર ચિંતાજનક છે. પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક યુવતીઓએ જણાવ્યું હતું કે દારૂડિયાઓ દ્વારા અમને હેરાન કરવામાં આવે છે. અમારા ઘરમાં ઘૂસી જાય છે અને મારામારી પણ કરે છે. મહિલાઓની સાથે પણ છેડતીઓ કરે છે. દારૂ પીને આવે છે અને અમારા પરિવારના લોકો તેમને ટોકે તો ઘરમાં આવીને મારામારી પણ કરી જાય છે. મહિલાઓને પણ ગમે ત્યાં સ્પર્શ કરે છે. આ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. પોલીસને જ્યારે આ બાબતે ફરિયાદ કરવા જઈએ છીએ ત્યારે કહે છે કે જ્યારે દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યારે અમને ફોન કરજો. દારૂના અડ્ડો ચાલુ થતાં જ અમે ફોન કરીએ છીએ અને પોલીસ આવે છે ત્યારે દારૂનો અડ્ડો બંધ થઈ જાય છે. પોલીસ પછી અમને કહે છે કે, ક્યાં દારૂનો અડ્ડો ચાલે છે? આ પ્રકારનો ખેલ અહીં પોલીસ સ્ટેશનના લોકો અમારી સાથે કરી રહ્યા છે. પોલીસ આવે છે, તપાસ કરે છે અને કહે છે કે અહીં તો કોઈ અડ્ડો ચાલતો નથી. આ પ્રકારની વાતો કરીને જતા રહે છે.