સુરતમાં છેલ્લા કેટલાક વખતથી જુદા જુદા કલરનું અને વાસ મારતું પાણી આવતું હોવાની ફરિયાદ અનેક વિસ્તારમાં આવી રહી છે. આ સમસ્યા અંગે ગણતરીના દિવસોમાં ઉકેલ આવ્યો હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. જોકે, મ્યુનિ.ની મુખ્ય કચેરીની બરાબર સામે આવેલા ફાયર સ્ટેશન માં પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. મ્યુનિ. હાલમાં જ સેન્ટ્રલ ઝોનમાં જાન્યુઆરી 2023 માં ફાયર સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
સુરત મ્યુનિ. લોકોના પાણીના પ્રશ્નની ફરિયાદનો નિકાલ ત્વરિત કરવાનો દાવો કરી રહી છે પરંતુ દીવા તળે અંધારું હોય તેમ સેન્ટ્રલ ઝોનમાં બનેલા ફાયર સ્ટેશનમાં છેલ્લા દોઢ મહિનાથી પુરા પ્રેશરથી પાણી આપી શકતું નથી. આ જગ્યાએ ફાયર સ્ટેશન શરૃ થઈ ગયું છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી આ જગ્યાએ પીવાનું પાણીનું પ્રેશર ઘણું જ ધીમું આવે છે જેના કારણે પુરતું પાણી મળતું ન હોવાથી કર્મચારીઓએ જ બોરિંગના પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આજે મેયરે ફાયર સ્ટેશનની વિઝીટ કરી આ સમસ્યાનો તાકીદે હલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી.