સુરત પાલિકાના ખુલ્લા પ્લોટ ભાડે આપવાના નામે ભાજપના કાર્યકરોને પ્લોટ ફાળવી દેવાના મુદ્દે હવે ભાજપ શાસકો અને મ્યુનિ. કમિશનર સામસામે આવી ગયા છે. ભાજપના કાર્યકરને આર્થિક રાહત માટે શાસકોએ પાછલી તારીખ માં કરેલો ઠરાવ કમિશ્નરે ફગાવી દીધો છે. લામેલા ફુડ કોર્ટ સાત રુપિયા પ્રતિ ચોરસ મીટર ના બદલે ત્રણ રુપિયા પ્રતિ ચોરસ મીટર માટે ઠરાવ મુદત વીતી ગયા પછી કર્યો હતો. જોકે, ઠરાવ કમિશ્નરે ફગાવી દેતા હવે પુરા પૈસા ભરવા પડશે તે નક્કી થઈ ગયું છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ટીજીબી હોટલ સામે સોનાની લગડી જેવો પ્લોટ ભાજપના મહિલા કોર્પોરેટરની ભલામણથી વોર્ડ પ્રમુખ ને ફાળવી દેવામાં આવ્યો હતો. જોકે, આ પ્લોટ ની મુદત પુરી થતાં રાંદેર ઝોનમાં ઓસી. કમિશ્નર દ્વારા 45 દિવસ ના સમય માટે સાત રુપિયા લેખે પ્લોટ ભાડા માટે આપી દીધો હતો. જોકે, આ સમય મર્યાદા પુરી થયા બાદ પણ ભાડું નહીં ભરાતા પાલિકાએ પ્લોટ સીલ કરી દીધો હતો. જેના કારણે સાત રુપિયા લેખે વોર્ડ પ્રમુખે ચેક આપ્યો હતો પરંતુ તે રિટર્ન થયો હતો.
જોકે, સ્થાયી સમિતિએ ભાજપના વોર્ડ પ્રમુખ ને આર્થિક ફાયદો થાય તે માટે પાછલી તારીખમાં ત્રણ રુપિયા પ્રતિ ચોરસ મીટરના ભાડે ઠરાવ કરી દીધો હતો. સ્થાયી સમિતિએ આ ઠરાવ કરતાં આ ઠરાવ લઈને વોર્ડ પ્રમુખ બાકીના પૈસા મજરે લેવા માટે ઝોનમાં પહોંચ્યા હતા. જોકે, આ મુદ્દે મ્યુનિ. કમિશ્નરને જાણ થતાં તેઓએ સ્થાયી સમિતિએ કરેલા ઠરાવને માન્ય રાખ્યો નહોતો જેના કારણે હવે ભાજપના વોર્ડ પ્રમુખે સાત રૂપિયા ના ઠરાવ મુજબ જ પૈસા ભરવા પડશે. મ્યુનિ. કમિશ્નરે સ્પષ્ટ કહી દીધું છે કે, પાલિકાના પ્લોટ ફાળવવાની જે નીતિ છે તે 2016માં સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ જ ફાળવણી કરી શકાશે. આ નીતિ મુજબ પ્લોટનું ભાડું 13 રુપિયા પ્રતિ ચોરસ મીટરનું રહેશે. આ ઉપરાંત 45 દિવસ માટે જ ફાળવવાનું થાય છે.
પાલિકા કમિશ્નરની આ પ્રકારની સુચના બાદ રાંદેર ઝોનમાં આસી. કમિશ્નરે રાંદેર ઝોનમાં જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે તે તમામની એક બેઠક કરી અને તમામને પ્લોટ ની સમય મર્યાદા પુરી થાય છે ત્યારે પ્લોટ ખાલી કરવા માટે સુચના આપી દીધી છે. પાલિકાએ જે પ્લોટ ફાળવ્યા છે તે મોટા ભાગે ભાજપના જ કાર્યકરો છે તેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે. પ્લોટ ફાળવણી મુદ્દે ભાજપ શાસકો અને મ્યુનિ. કમિશનર સામસામે આવી ગયા છે. મ્યુનિ. કમિશનર સરકારના નિયમ મુજબ પ્લોટ ફાળવવા નો આગ્રહ રાખે છે ત્યારે શાસકો કાર્યકરોને ફાયદો થાય તે માટે ઠરાવ કરવા માટે પ્રયાસ કરી રહ્યા ંછે. જેના કારણે આ મુદ્દે આગામી દિવસોમાં મોટો વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.