Home Blog Page 27

જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો: બારડોલી

0

ખેતી ક્ષેત્રે સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરીશ: ખેડૂત સુમજીભાઈ ચૌધરી

મહુવા તાલુકાના શેખપુર ગામના સુમજીભાઈ ચૌધરીને રાજ્યના કૃષિ વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મળ્યો

સુરત:શુક્રવાર: ગરીબો પગભર થાય અને ગરીબીના અભિશાપમાંથી મુક્ત થઈ સ્વમાનભેર જીવન નિર્વાહ કરવા માટે જરૂરી સાધનસહાયથી તેમનો જીવનનિર્વાહ કરી શકે તેનું સશક્ત માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે.
બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં મહુવા તાલુકાના શેખપુર ગામના સુમજીભાઈ ચૌધરીને રાજ્યના કૃષિ અને સહકાર વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મળ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વર્ષોથી ખેતી કરૂ છું. ગ્રામપંચાયતથી સરકારની સ્માર્ટ ફોન યોજનાની માહિતી મળતા જરૂરી પુરાવા સાથે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં નિયત સમયમાં જ મોબાઈલનો લાભ મળ્યો. સ્માર્ટ ફોનના માધ્યમથી આધુનિક ખેતી કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે ખેતી ક્ષેત્રે સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરીશ એમ ઉમેર્યું હતું.
સુમજીભાઈએ રાજ્ય સરકાર અને ખેતીવાડી વિભાગનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, સ્માર્ટ ફોન ખરીદીમાં રાજ્ય સરકારે રૂ. ૬ હજારની સહાય ચૂકવી છે, તથા સહાયની આ પ્રક્રિયામાં ખેતીવાડી વિભાગનો સતત હકારાત્મક સહયોગ પ્રાપ્ત થયો છે. સ્માર્ટ ફોનના માધ્યમથી તેઓ ઘેર બેઠાં આઈ-ખેડૂત પોર્ટલ પરથી ખેડૂત કલ્યાણલક્ષી યોજનાની જાણકારી મેળવી તેના લાભ માટે ફોર્મ ભરી શકશે. આ સાથે ખેડૂત મિત્રોને પણ માર્ગદર્શન પૂરુ પાડી પોતાની જમીન વધુને વધુ ફળદ્રુપ કઈ રીતે બની શકે તેની જાણકારી ઘેરબેઠાં મેળવી શકશે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની સ્માર્ટ ફોનની યોજના ખુબ જ ઉપયોગી નિવડશે. સાથે મોબાઈલ દ્વારા હવામાન ખાતાની જાણકારી, માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોના ભાવો, કૃષિ રોગો અને તેના નિરાકરણની પણ ઘર બેઠા જ માહિતી મોબાઈલ મારફતે મળી રહેશે.

અદાણી ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ. દ્વારા ઉમરપાડામાં પોષણ માહ ઉજવાયો

0

સુરત:શુક્રવારઃ- રાજય સરકાર દ્વારા કુપોષણ સામેની લડાઈ માટે સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવણી થઈ રહી છે. સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન વિવિધ પ્રવૃતિ સાથે સમગ્ર ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશનની ટીમ અને આઈ.સી.ડી.એસ. સાથે મળીને પોષણ માહની ઉજવણી કરવામાં આવી છે. ઉમરપાડા તાલુકાને કુપોષણમુક્ત બનાવવા માટે એપ્રિલ ૨૦૨૪ થી અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરવામાં આવી છે જેએ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે મળીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સઘન પ્રયત્નો થઈ રહ્યા છે.
ઉમરપાડામાં ઉમદા અને પરિણામલક્ષી કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમિયાન કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી બહેનો તથા ભાઈઓમાં વધુ જાગૃતતા લાવી શકાય એ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જાગૃતતા રેલી, ફેમિલી કોઉન્સેલિંગ, જૂથ ચર્ચા, વાનગી પ્રદર્શન, પોષણ વાટિકા, સરગવાના વૃક્ષોનું રોપણ, શાળા, આંગણવાડી તથા લાભાર્થીના ઘરે કરવામાં આવ્યું હતુ. આ દિવસો દરમ્યાન અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંગીની બહેનો કે જેઓ ગામ લેવલે આ પ્રોજેક્ટ માટેની કામગીરી કરે છે એ બધાએ સાથે મળી ને અલગ અલગ પ્રવૃતિઓ દ્વારા ઉમરપાડા તાલુકા ના ૧૩,૨૩૬ જેટલા લોકો સુધી પહોંચીને એક નવી પહેલ કરી છે. આ તમામ પ્રવૃતિમાં આઈ.સી.ડી.એસ.નો સહયોગ દરેક તબક્કે રહ્યો હતો. સૌના સહિયારા પ્રયાસ દ્વારા ઉમરપાડા તાલુકામાં કુપોષણ ઘટાડવાના સઘન પ્રયત્ન થઈ રહ્યા છે.

“સ્વચ્છતા હી સેવા અભિયાન -૨૦૨૪”

0

ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ દ્વારા સૌ પદાધિકારીઓ-અધિકારીઓએ સેલ્ફી લઈને સ્વચ્છતાનો સંદેશો આપ્યોઃ

સુરતઃશુક્રવારઃ- “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪”ના અભિયાનની શરૂઆત સમગ્ર રાજયમાં થઈ ચુકી છે જે અંતર્ગત સુરત જિલ્લામાં પણ અનેક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, એન.જી.ઓ. સાથે મળીને જનજન સુધી સ્વચ્છતાનો સંદેશો પહોચવાના ધ્યેય સાથે ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ ની થીમ જનભાગીદારી સાથેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બારડોલી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છતા સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પર જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલ, ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેકટર, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી, પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ સેલ્ફી લઈને સૌને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો હતો.

વંચિતોને હાથોહાથ સહાય આપતો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪

0

ગરીબ કલ્યાણ મેળામાં પીએમ સ્વનિધિ યોજનાના થકી ડિંડોલીના ભાવનાબેન પાટીલને મળી સહાય

સરકારની પીએમ સ્વનિધિ યોજના થકી લોન સહાય પ્રાપ્ત થતા વ્યવસાયને આગળ ધપાવવાનો માર્ગ મળ્યો: લાભાર્થી ભાવનાબેન પાટીલ

સુરતઃશુક્રવારઃ- ગરીબ કલ્યાણ મેળાએ અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. આજે કતારગામ ખાતે યોજાયેલા મેળામાં ડીંડોલીના મહાદેવ નગરમાં રહેતા ભાવનાબેન પાટીલને સુરત મહાનગર પાલિકાના યુસીડી વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રૂ.૨૦ હજારની હાથોહાથ સહાય મળી હતી. તેમણે હર્ષ સાથે કહ્યું કે,મને સ્વનિધી યોજના થકી લોન સહાય મળતા અગરબતી વેચાણના વ્યવસાયને આગળ ધપાવવાનો માર્ગ મળ્યો છે અને જેનાથકી મને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા મળી છે.
સ્વનિધી યોજનાના લાભાર્થી ભાવનાબેન પાટીલે જણાવ્યું કે, મારો મધ્યમવર્ગી પરિવાર છે. અમારા બે સંતાન છે, જે શાળામાં અભ્યાસ કરે છે, મારા પતિ પણ મારી સાથે અગરબતીના વેચાણનો વ્યવસાય કરે છે. આજની મોંઘવારીના સમયમાં બન્ને સાથે મળીને છેલ્લા સાત વર્ષથી અગરબતીનો વ્યવસાય કરી પગભર બન્યા છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે,સમાજના અગ્રણીઓ દ્વારા પીએમ સ્વનિધિ યોજના વિશે સાભળ્યું હતું. ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના યુસીડી વિભાગ તરફથી તમામ માહિતી વિગતવાર સમજાવી ફોર્મ આપ્યું હતું. જે ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે જમા કરાવતા ટુંક સમયમાં રૂ.૧૦ હજારની લોન સહાય પાપ્ત થઇ હતી. ત્યારબાદ આ લોન પુર્ણ થતાં બીજી રૂ.૨૦ હજારની લોન મંજુર થઇ છે. તેનો ચેક આજે ગરીબ કલ્યાણ મેળામાં મહાનુભાવોના હસ્તે હાથોહાથ આપવામાં આવ્યો છે. લોનની રકમ દ્વારા સામન-સામગ્રીમાં વધારો થતા વ્યવસાયને વેગ આપીને આત્મનિર્ભર બનીશ.
રાજ્યની સંવેદનશીલ સરકારનો હદય પુર્વક આભાર વ્યક્ત કરી અન્ય લોકો પણ સરકારની યોજનાનો લાભ લઇને આત્મનિર્ભર બનવાનો અનુરોધ કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા તેમને સાથ સહકાર આપવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.

વંચિતોને હાથોહાથ સહાય આપતો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪

0

સુરત શહેર ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં છાપરાભાઠા વિસ્તારના દિવ્યાંગ યુગલ માટે લગ્ન સહાય યોજના બની આર્શિવાદરૂપઃ

દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ૫૦-૫૦ હજારની લેખે રૂ.૧ લાખની લગ્ન સહાય મળતા દંપતિના મુખ પર છલકાય ખુશી

અમારા લગ્નના નાના-મોટા ખર્ચની ચૂકવણી કરી સુખીમય જીવન જીવીશુઃ
દિવ્યાંગ લગ્ન સહાય સિવાય નિ:શૂલ્ક બસ પાસ, રેલ્વે પાસ સહિતની યોજનાઓનો પણ લાભ લઈ રહ્યા છીએઃ દિવ્યાંગ લાભાર્થી દિક્ષિતભાઇ જાખરીયા

સુરતઃશુક્રવારઃ- દિવ્યાંગ વ્યક્તિને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો હક છે. દિવ્યાંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે સમાજમાં ગૌરવભેર જીવી જ શકે એના માટે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે,ત્યારે સુરત શહેરના કતારગામ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં દિવ્યાંગ દંપતિને રૂા.એક લાખની સહાય મળતા તેઓની ખુશી બેવડાઈ હતી. સુરત શહેરના છાપરાભાઠા વિસ્તારની મણીબા પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા દિવ્યાંગ લાભાર્થી દિક્ષિતભાઇ જાખરીયા અને તેમના દિવ્યાંગ ધર્મપત્ની સરોજબેન માટે સરકારની લગ્ન સહાય યોજના આશીર્વાદરૂપ નિવડી છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગ યુગલને રૂ. ૫૦-૫૦ હજારના લેકે રૂ.૧લાખની સહાય પ્રાપ્ત થઇ છે. દિક્ષિતભાઇને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સુરત ખાતેથી સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે માહિતી મળી હતી.
સમાજ સુરક્ષા અધિકારી અને કર્મચારીઓની મદદથી તેમણે અને તેમના પત્નીએ દિવ્યાંગ લગ્ન સહાયનું ફોર્મ સરળતાથી ભરી દીધું અને તેમને બંનેને આજે ગરીબ કલ્યાણ મેળામાં રૂ.૫૦-૫૦ હજારની સહાય મળી હતી. પોતાના આ અનુભવ વિશે દક્ષિતભાઇએ જણાવ્યું હતુ કે,પાંચ મહિના પહેલા જ અમારા લગ્ન થયા. હું અને મારી પત્ની શિક્ષિત હોવાથી ટ્યુશન કલાસીસ ચલાવીને ગુંજરાન ચલાવીએ છીએ. મને દિવ્યાંગ લગ્ન સહાય વિશેની જાણવા મળ્યું અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરતા તેઓને વિનમ્રભાવે તમામ માહિતી આપી. બન્નેનું ફોર્મ ભરતા ટુંક જ સમયમાં કતારગામના ગરીબ કલ્યાણ મેળામાં અમોને રૂા.૫૦-૫૦ હજાર મળી કુલ એક લાખ રૂપિયાનો હાથોહાથ ચેક મહાનુભાવોના હસ્તે મળ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યાંગ લગ્ન યોજના સહાયનો લાભ મળતા હવે હું અમારા લગ્નના નાના-મોટા ખર્ચની ચૂકવણી કરી દેવામાંથી મુક્ત થઇ જઇશ. મારી પત્નીને સહાય પેટે મળેલા રૂ.૫૦ હજાર અમે બેન્કમાં જમાં રાખીશું. જેથી જરૂરિયાત સમયે અમને કામ લાગશે. સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી એમને ઘણી મદદ મળી છે. લગ્ન સમયે થયેલા ખર્ચની ભરપાઇ કરી શકીશું. દિવ્યાંગ લગ્ન સહાય સિવાય અમે નિ:શૂલ્ક બસ પાસ, રેલ્વે પાસ સહિતની યોજનાઓનો પણ લાભ લઈ રહ્યા છીએ. સરકારશ્રીની દિવ્યાંગ માટેની યોજના અમારા જેવા અનેક લોકો માટે આર્શિવાદરૂપ નિવડી છે, જેથી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ લગ્નની તારીખથી ૨ વર્ષની સમયમર્યાદા સુધી અરજી કરી શકશેઃ

સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-ગાંધીનગર દ્વારા અમલી દિવ્યાંગ લગ્ન સહાય યોજના અન્વયે લગ્નના બે વર્ષની સમય મર્યાદામાં આધાર-પૂરાવા સાથે અરજી કરવાની રહે છે. પતિ-પત્ની દિવ્યાંગ હોય તો ૫૦-૫૦ હજાર લેખે રૂ.૧ લાખની સહાય મંજૂર કરવામાં આવે છે. તેમજ દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો રૂ. ૫૦ હજાર સહાય પેટે ચૂકવવામાં આવે છે. ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે.

શહેરી ગરીબ કલ્યાણ મેળોઃ૨૦૨૪

0

કતારગામ ખાતે આયોજીત ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું.

રાજય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર કક્ષાના ગરીબ કલ્યાણ મેળા તથા મેળા બાદ અંદાજે ૩૯૬૪૦ લાભાર્થીઓને રૂ.૧૩૬ કરોડની સાધન સહાય અર્પણઃ

સુરત:શુક્રવાર: રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના ઉદ્દેશ સાથે રાજય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળો મેયર શ્રી દક્ષેશ માવાણી અને સાંસદ શ્રી મુકેશભાઈ દલાલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કતારગામ ખાતે SMC કોમ્યુનિટી હોલ, વસ્તાદેવડી ખાતે આયોજીત મેળામાં સાંસદ અને મેયર તથા અન્ય પદાધિકારીઓના હસ્તે લાભાર્થીઓને હાથોહાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ ૩૯૬૪૦ લાભાર્થીઓને રૂ.૧૩૬ કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.


આ અવસરે મેયરશ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. સમગ્ર રાજ્યમાં ૧૩ તબક્કાના ૧૬૦૦થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં ૧.૬૬ કરોડથી વધુ લાભાર્થીઓને રૂા.૩૬,૮૦૦ કરોડની સહાય મળી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦ ગરીબ કલ્યાણ મેળામાં ૧.૭૮ લાખ લાભાર્થીઓને ૧૮૬૮ કરોડના લાભો એનાયત કરાયા છે. આ સરકાર આત્મનિર્ભર ભારતને સિધ્ધ કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. સરકારે વચેટીયાઓને નાબુદ કરી લાભાર્થીઓને સીધા લાભો આપી રહી છે. આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓથકી લાખો લોકોના આરોગ્યની જવાબદારી સરકાર વહન કરી છે. કોરોના બાદ અનેક લોકોને પગભર કરવા માટે પી.એમ.સ્વનિધિ યોજના અમલમાં મુકી છે. જેના લાભથકી હજારો લોકો આત્મનિર્ભર થયા હોવાનું મેયરે જણાવ્યું હતું.
આ પ્રસંગે સુરતના સાંસદશ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે,તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી. ગરીબોને આર્થિક સહાય આપીને તેઓ આત્મનિર્ભર બને તેવા ધ્યેયને સરકાર આગળ વધી રહી છે. દરેક વર્ગને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકીને તેઓને પગભર બનાવવાનું કાર્ય સરકાર કરી રહી છે. જનજનના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકારની અનેકવિધ યોજનાઓના લાભો હાથોહાથ એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજારો લોકોને ઘરના ઘર મળ્યા છે. દીકરીઓનું ભવિષ્ય ઉજળુ થાય તે માટે વ્હાલી દીકરી યોજના, સુકન્યા સમૃધ્ધિ જેવી અનેક યોજનાઓ સરકારે કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જુથ સંબંધિત યોજનાઓ, આવાસ, વ્હાલી દિકરી, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ,, કુંવરબાઈ મામેરા, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગંગાસ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન, સ્વામિત્વ, વિદેશ અભ્યાસ લોન, નિ:શુલ્ક બસ પાસ, ખેડૂતોને ઓજાર સહાય, ખેત મજુરોને સાધન સહાય સહિતની અનેકવિધ યોજનાઓના લાભોની સહાય કિટ્સનું વિતરણ કરાયું હતું.
આ અવસરે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ડીસા ખાતે આયોજીત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ, ડે. મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, ડે.મ્યુ.કમિશનર આર.બી.ભોગાયતા, રાજેન્દ્ર પટેલ તથા કમલેશ નાયક, પાલિકા આસી.કમિશનર ગાયત્રીબેન જરીવાલા તથા પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હનીટ્રેપમાં ફસાવી પોલીસના નામે તોડ કરનારી ટોળકી ઝડપાઇ

0

સુરત,ક્રાઇમબ્રાંચના નામે ખોટી ઓળખ આપી 4300 રૂપિયા પડાવી વધુ 40 હજાર માંગ્યા હતા. રૂપિયા ન આપે તો રેપકેસમાં ફસાવી દેવાની ધમકી આપી. ભટારના 62 વર્ષીય કાપડ વેપારીને હનીટ્રેપમાં ફસાવી માટે વૃદ્ધ વેપારીએ ફરિયાદ આપતા અમરોલી પોલીસે રાજુ ગુજરીયા, ઋત્વિકા ગુજરીયા, રાજેશ કાથરોટિયા, વિજય માળી, તેજલ ઉર્ફે જાનવી પટેલને ઝડપી પાડ્યા હતા.

કતારગામ,અમરોલી અને કામરેજ સહિત શહેરમાં હનીટ્રેપના નામે ફસાવી રૂપિયા પડાવતી 150થી વધુ ગેંગ સક્રિય હોવાની શંકાસ્પદ કામગીરી.

મૂળ રાજસ્થાનના અને હાલ ભટાર રહેતા 62 વર્ષીય કાપડ વેપારી પર 3 મહિના પૂર્વે પહેલાં મેસેજ મોકલી અને બાદમાં પોતે જાનવી બોલું છું કહી તેમને માયાજાળમાં ફસાવ્યા હતા. 24મીએ જાનવી વેપારીને અમરોલીના સંત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટમાં લઈ ગઈ હતી. તે વખતે 3 લોકોએ આવી પોતાની ઓળખ ક્રાઇમબ્રાંચના માણસો તરીકે આપીને 4300 રૂપિયા પડાવ્યા હતા. તોડબાજ ટોળકીએ વૃદ્વને કહ્યું કે આવતીકાલે 40 હજારની રકમ લઈને આવજો, રૂપિયા નહિ આપે તો મહિલા બળાત્કારની ફરિયાદ આપશે અને તમારે 20 વર્ષ સુધી અંદર કરાવી દઈશું, એમ કહી ડરાવ્યો હતો.

પેાલીસે 4300 રૂપિયા, 6 ફોન અને હાથકડી કબજે લીધી છે.

કતારગામ ડાયમંડ ની કંપનીમાં બની આગ ની ઘટના

0

સુરત,સુરત ના ગજેરા સર્કલ પાસે ડાયમંડ કંપની માં વહેલી સવારે બની આગ ની ઘટના.ગેસ લીકેજના કારણે આગ લાગી હતી. ઘટના ની જાણ થતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી. સમ્રગ ઘટના માં કુલ ૧૪ લોકો ને દાઝ્યા અંગે મળેલ છે. આગ ની ઘટના માં 14 લોકો દાઝયા હોવાની હકીકત આવી સામે 14 પૈકી 2 લોકો ની હાલત ગંભીર તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાસેડવામા આવ્યા.

ઘટના અંગે ની જાણ થતા સુરત ના મેયર દક્ષેશ માવાણી ઈજાગ્રસ્તો ની લીધી મુલાકાત. અને સમ્રગ ઘટના ક્રમ અંગે ની માહિતી લીધી.

સ્વચ્છતા હી સેવા ૨૦૨૪-સુરત જિલ્લો

0

સાંસદ પ્રભુભાઈ વસાવા કામરેજ તાલુકાના કોસમાડી અને સીમાડી ગામે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા: જળસંચય જનભાગીદારી યોજના અંતર્ગત રિચાર્જ પીટના કામોનું ખાતમુહૂર્ત.

સુરત:મંગળવાર; ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે સુરત સહિત રાજ્યભરમાં ચાલી રહેલી સ્વચ્છતા ઝુંબેશ સુરત જિલ્લાના ગામે-ગામ પહોંચી સ્વચ્છતાનો સંદેશો આપી રહી છે. કામરેજ તાલુકાના કોસમાડી અને સીમાડી ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈને સાફ સફાઇ કરી હતી. ઉપરાંત, જળસંચય જનભાગીદારી યોજના અંતર્ગત રિચાર્જ પીટના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં તા.પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી સમિતિ અધ્યક્ષ, સરપંચ સહિત ગ્રામપંચાયત સભ્યો, મદદની તા.વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત તથા નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

0

સુરત:મંગળવાર: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, સંચારી રોગ અટકાયત, ટોબેકો કંટ્રોલ તેમજ નેશનલ પ્રોગ્રામ ઓફ કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની કામગીરી અંગે પીપલોદ સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત લેપ્ટોસ્પાયરોસીસ, સિઝનલ ફ્લૂ તેમજ દૂષિત પાણીજન્ય રોગોના નોંધાયેલા કેસો, તમાકુ નિયંત્રણ અને સંચારી રોગોના અટકાયતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.


જિલ્લા વિકાસ અધિકારીએ ચોમાસાની ઋતુ સાથે જિલ્લામાં નોંધાયેલા મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા અને ડેન્ગ્યુના કેસની સમીક્ષા કરી તે અંગે લેવાયેલી તકેદારી વિષે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. સ્વચ્છતા પર ભાર મૂકી દરેક તાલુકાઓમાં તે અંગેની ખાસ કાળજી લેવા જણાવ્યું હતું. સાથે જ એનિમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ થયેલી કામગીરીની વિગતો મેળવી સિકલસેલ નાબૂદી માટે થતી કામગીરીને વધુ અસરકારક કરવા માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવનારા દિવસોમાં યોજાનારા ‘ટોબેકો ફ્રી યૂથ’ કેમ્પેઇન વિષે જિલ્લા ડીડીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જે અંતર્ગત માધ્યમિક શાળા અને કોલેજોને આવરી લઈ યુવા વર્ગને તમાકુના દૂષણથી દૂર રાખવા થનારી વિવિધ એક્ટિવિટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડીડીઓ દ્વારા તમાકુનો ઉપયોગ થતાં હોય તેવા હોટ સ્પોટ્સને શોધી ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અધિકારી/કર્મચારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.