ચુંટણીને લગતી કોઈ પણ પત્રિકાઓ, પોસ્ટરો છપાવતા પહેલા ચુંટણીની જોગવાઈનું પાલન કરવાનું રહેશે
સુરત:શુક્રવાર: આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.૧ ડીસેમ્બર ૨૦૨૨નાં રોજ મતદાન યોજાનાર છે. જે સંદર્ભે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકે જિલ્લામાં આવેલા તમામ ખાનગી પ્રિન્ટીંગ પ્રેસ તેમજ પ્રકાશનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ/પેઢીઓએ મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૧ ની જોગવાઈને આધારે કામગીરી કરવાની રહેશે.
વિધાનસભાની ચુંટણીમાં જે અનુસાર રાજકીય પક્ષો,ખાનગી વ્યક્તિઓ કે ઉમેદવારો દ્વારા ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકનું નામ અને સરનામા ન હોય એવી કોઇપણ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહિ અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહિ.
વધુમાં કોઇપણ વ્યક્તિએ જ્યાં સુધી તેના પ્રકાશકની ઓળખ વિશેના પોતે સહી કરેલા અને પોતાને અંગત રીતે ઓળખતા હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારની બે પ્રતો મુદ્રકને આપી ન હોય ત્યાં સુધી ચૂંટણી પત્રિકાઓ અથવા પોસ્ટરો છપાવી કે છાપી શકશે નહિ. આવા પોસ્ટરો/પત્રિકાઓ છપાઇ ગયા પછી દિન-૩માં મુદ્રકે તે પોસ્ટર પત્રિકાની એક નકલ સાથે એકરારની એક નકલ અત્રેના જિલ્લામાં એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલ ખાતે નિયુક્ત કરાયેલા જિલ્લા આંકડા અધિકારીને મોકલી આપવાની રહેશે. આ જોગવાઈઓનો ભંગ કરવા બદલ વ્યક્તિઓ/ પેઢીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે જેથી જિલ્લાના પ્રકાશક/મુદ્રણના ધંધા સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ ઉકત જોગવાઈઓનું પાલન કરવા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુરતની યાદીમાં જણાવાયું છે