નર્મદ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષમાં મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલ છે. અને કેટલાક પ્રોજેકટો પૂર્ણ થઇ ગયા છે. અને અમુક પ્રોજેકટો પણ કામ ચાલી રહ્યુ છે. આ પ્રોજેકટોને લઇને સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિ અને રાજયપાલને પણ ફરિયાદ કરી હતી. જેમાં આ પ્રોજેકટોમાં મોટાભાગના કામો માત્ર તિરૃપતિ કન્સલ્ટન્સીને આપવામાં આવે છે. આ કંપની દ્વારા હિન્દી, સંસ્કૃત ભવન, ગેસ્ટ હાઉસ અને ગર્લ્સ હોસ્ટેલના ત્રણ પ્રોજેકટો પર કામ કરી રહી છે. અને લાયબ્રેરી બિલ્ડીંગ અને યુટીલીટી બિલ્ડીંગનું કામ પણ આ એજન્સીને સોંપવામાં આવ્યુ છે. સેનેટ સભ્યે ત્યાં સુધી આક્ષેપ કર્યા છે કે યુનિવર્સિટી દ્વારા હિસાબી વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ કરેલા કામ કરતા લાખો રૃપિયા વધારે ચૂકવી આપ્યા હતા. તેમ છતા આ એજન્સીએ છેલ્લા ઘણા સમયથી બન્ને પ્રોજેકટમાં પોતાનું કામ બંધ કરી દીધુ છે. તેને બચાવવા માટે કેટલાક એજન્ટો પણ સક્રિય થયા છે.
તેમજ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ તિરૃપતિ કન્સલ્ટન્સી કંપની દ્વારા પાંચ જેટલા પ્રોજેકટો એક સાથે ૧૭ કરોડના ખર્ચે ટેન્ડરની શરતો વિરુદ્ર કામ કરી રહી હોય ત્યારે યુનિવર્સિટીએ નિષ્ણાંત વ્યકિતઓ પાસે આ બાબતે તપાસ કરાવવી જોઇએ. સેનેટ સભ્યની આ આક્ષેપિત ફરિયાદના પગલે રાજયપાલ ભવનમાંથી સેકશન ઓફિસર આર.કે તિવારી દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી સારુ રાજય સરકારના અગ્ર સચિવ ( ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ) શિક્ષણ વિભાગ ગાંધીનગર રવાના કરાઇ છે. આથી આગામી દિવસોમાં તપાસ થશે.
સેનેટ સભ્ય ભાવેશ રબારીની ફરિયાદને લઇને નર્મદ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આ ફરિયાદ તદન ખોટી છે. હિસાબી વર્ષ પૂર્ણ થાય તે પહેલા જે લાખો રૃપિયા ચૂકવ્યા છે. તે વાત ખોટી છે. હકીકતમાં યુનિવર્સિટી દ્વારા આ એજન્સીને કામ સોપ્યા બાદ શંકા જતા મશીન લાવીને તપાસ કરતા જે બાધકામ થતુ હતુ. તેની મજબુતાઇ ધારાધોરણ મુજબ ના હતી. આથી એજન્સીએ નહીં પરંતુ યુનિવર્સિટીએ છેલ્લા બે મહિનાથી કામ બંધ કરાવી દીધુ છે. અને જે જગ્યાએ સામાન હતો ત્યાં લોક પણ મારી દીધુ છે. તેમજ ગુણવતાયુકત કામગીરી નહીં કરતા જયાં સુધી ધારાધોરણ મુજબ બાંધકામ થશે નહીં ત્યાં સુધી પેમેન્ટ અટકાવ્યુ છે.