સુરતના 90 વર્ષીય વૃદ્ધ સિનિયર સિટિઝનને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓના ઘરની બહારના સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે 1.15 કરોડ રૂપિયા કાઢી લેવાયા હતા. આ મામલામાં સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય સુત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો હતો.

પાર્થ ગોયાણી છેલ્લા 3 મહિનાથી નેપાળમાં છુપાઈ રહેતો હતો અને ત્યાં પણ કોલસેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તાજેતરમાં તે નેપાળથી લખનૌ આવ્યા બાદ ફરી કમ્બોડિયા જઈ રહ્યો હતો. ત્યારે લખનૌ એરપોર્ટ પરથી સુરત સાઇબર ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો હતો.સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, પાર્થ ગોયાણી અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ફેક બેન્ક એકાઉન્ટ્સ મેળવતો હતો, તેમાં પૈસા ટ્રાન્સફર કરાવતો અને ત્યારબાદ તેનો રૂપાંતર ક્રિપ્ટોકરન્સી USDTમાં કરી ચાઈનીઝ ગેંગ સુધી પહોંચાડતો હતો. વધુ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં દેશમાં કુલ 173 જેટલા ગુનાઓ આચર્યા છે, જેમાં માત્ર ગુજરાતમાં જ 9 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પાર્થ ગોયાણી કમ્બોડિયામાંથી પોતાના નેટવર્ક દ્વારા વિશ્વના અલગ અલગ દેશના અને ભાષાના કોલર્સને નોકરી ઉપર રાખીને ભારત સહિતના દેશોમાં કોલસેન્ટર ચલાવતો હતો. તેના સંપર્કમાં ઘણા ચાઇનીઝ ગેંગના સહભાગી પણ જોડાયેલા હતા. તે પાકા પ્લાન હેઠળ સોફ્ટવેર દ્વારા ભોગ બનેલા લોકોના ફોન- લેપટોપ પર કન્ટ્રોલ લઈ લેતા અને પછી તેને ડિજિટલ એરેસ્ટમાં રાખી લોન લઈ પૈસા ટ્રાન્સફર કરાવતા.