સુરત,શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ASIની ૨૮ વર્ષની પુત્રીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીએ પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાની શક્યતા લાગી રહી છે. તમામ હકીકત તપાસ પછી સામે આવશે. મૂળ ઉમરપાડાના વતની અને ડિંડોલી વિસ્તારમાં યોગેશ્વર પાર્કમાં રહેતા ગુમાનભાઈ વસાવા પત્ની અને એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવાર સાથે છે. તેઓ શહેરના પોલીસ વિભાગમાં ASI ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમની મોટી પુત્રી ૨૮ વર્ષની પક્ષા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. દરમિયાન બુધવારે તેણીએ નાઈટ ડડ્યૂટીમાં નૌકરી હોવાથી તેના પિતાને રાત્રે નોકરી સ્થળે મૂકવા આવવાનું જણાવ્યું હતું. બાદમાં પોતાના ઘરમાં છતમાં લગાવેલા લોખંડના હૂક સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો. જેથી પરિવારજનો પુત્રીને નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આપઘાતના બનાવ અંગે ડિંડોલી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
મૃતકે પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાની શક્યતા પ્રાથમિક તબક્કે જણાય રહી છે. બનાવ પાછળનું સાચું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.