ઓનલાઈન પ્લાન મંજૂરી વખતે ખોટી માહિતી રજૂ થતાં આર્કિટે ભીંસમાં
ઓનલાઇન ચઢાવેલા ડેટાની ઓફલાઇન સ્ક્રૂટિનીમાં ભાંડો ફૂટ્યો.
સુરત મહાનગરપાલિકાના હદવિસ્તારમાં બાંધકામ ક્ષેત્રે હરણફાળ વિકાસ સાથે જ હાલના તબક્કે પણ અનેક પ્રોજેક્ટો નિર્માણાધીન છે અને અનેક નવા પ્રોજેક્ટો પાલિકાની મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. વહીવટી તંત્રએ પ્લાન મંજૂરીની પ્રક્રિયા સરળ બને એ માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ અમલી કરી છે. જોકે, પ્લાન મંજૂરીની આ ઓનલાઇન પ્રક્રિયામાં કેટલાક આર્કિટેક્ટ ખોટી માહિતી આપતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. ઓનલાઇન અપલોડ થયેલા ડેટાની ઓફલાઈન સ્કૂટિની વેળા આખો મામલો બહાર આવ્યા બાદ પાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગે ચાર આર્કિટેક્ટને નોટિસ ફટકારી છે. પાલિકા સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમમાં ફાઇનલ પ્લાન અને બાંધકામના પ્લાન, માલિકી સંબંધિત માહિતી અપલોડ કરવાની રહે છે. અપલોડ થયેલા ડેટાને આધારે પાલિકા દ્વારા પ્લાનને ઓનલાઇન મંજૂરી આપવામાં આવે છે. કોઈ પણ માપ કે ક્ષેત્રફળના આધારે જીડીસીઆરની જોગવાઈ પ્રમાણે પ્લાનને ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે. આ સિવાય અપલોડ કરાયેલા ડેટાની ખરાઈ અને અન્ય કેટલીક જોગવાઈઓ પ્રમાણે જો મેન્યુઅલી એટલે કે ઓફલાઇન સ્કૂટિની વેળા ફાઈલો નામંજૂર પણ કરી શકાય છે. ઓનલાઇન સિસ્ટમમાં પ્લાનના ડેટાની ખરાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે આર્કિટેક્ટની હોય છે. જેમાં હાલમાં જ મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા કરાયેલી મેન્યુઅલ સ્ક્રૂટિની વેળાએ ચાર ફાઈલોમાં રજૂ કરાયેલી વિગતો, માહિતીમાં વિસંગતતા જોવા મળી હતી. પ્લાનના સીઓપીમાં માપ, માલિકીના નામ સહિતની કેટલીક વિગતોમાં ઓનલાઇન અને ઓફલાઈ ન ડેટા ચકાસણીમાં જુદીજુદી માહિતી નીકળતા ચાર આર્કિટેક્ટને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, હવે તકનીકી કે માલિકી સંબંધિત માહિતી ઇરાદાપૂર્વક ખોટી અપલોડ કરાઇ છે કે પછી બેદરકારી દાખવવામાં આવી છે એ અંગે તપાસ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે ચાર આર્કિટેને નોટિસ ફટકારાતા બાંધકામ ક્ષેત્રે સક્રિય આર્કિટેકુમાં ચર્ચાનું મોજું ફળી વળ્યું છે. આ સાથે જ જો આ પ્રકારે ઓનલાઇન પ્લાન મંજૂરી સિસ્ટમમાં ડેટા અપલોડ કરતી વેળા પૂરતી ચોક્સાઇ રાખવામાં ન આવે તો ભવિષ્યમાં બીજા પ્રશ્નો પણ સર્જાઈ શકે એવો મત અધિકારીઓ આપી રહ્યા છે.