Home GUJARAT લૂથી બચવા માટે શું કરવું અને શું ન કરવું

લૂથી બચવા માટે શું કરવું અને શું ન કરવું

41
0

હીટવેવની આગાહીના પગલે નાગરિકો “લૂ”થી રક્ષણ મેળવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવો હિતાવહ

સુરતઃસોમવારઃ ઉનાળાની ઋતુની કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે.

આટલું કરો

રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્રો વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવુ હિતાવહ છે. વાઈ, હ્રદય, કીડની કે યકૃતને લગતી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતાં પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજનમાં તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે, તેમની વિશેષ કાળજી લો.

કામદારો માટે આટલું કરો

કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. સાથોસાથ તમામ કામદાર માટે શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિ ટાળવી, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવુ. જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલા નથી તેમને હળવું તેમજ ઓછી અવધિ માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું. કામદારોને હીટવેવ એલર્ટ વિશે માહિતગાર કરવા. પંખાનો ઉપયોગ કરવો.

ઘરને શીતળ રાખવા માટેના ઉપાયો

ઘરની દીવાલોને સફેદ રંગથી રંગો. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રૂફ ટેક્નોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મોફૂલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાંસની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો. બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો.

લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર

જો કોઇ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેંદ્ર ઉપર લઈ જાવ. જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુ:ખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.

શું ન કરવું

બપોરના ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી તડકામાં ન જવું, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેમ કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સ ન લેવા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here