તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા.
સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતા. ઘટના એ હતી કે, ફરિયાદી ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. જે જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બન્નેને તેઓ મળ્યા હતા. કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે 80 હજારમાં પતાવટ થઈ હતી. જે પૈકીના 35 હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.
આરોપીઓએ 35 હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડદેવડ કરવા જતાં બંને રંગે હાથ ઝડપાઇ ગયા હતા. લાંચ લેનાર બે ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભુપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બન્ને લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતાં. સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબીના મહિલા પી આઈ આર. આર. ચૌધરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.