દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નાગરિકોને અદ્યતન સુવિધાઓ સાથેની હોસ્પિટલ પ્રાપ્ત થશેઃ
કેન્દ્રિય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
સુરત: રવિવારઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળના કરોડો રૂપિયાના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રિય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ.૪૩૭ કરોડના ખર્ચે ઓપીડી અને વોર્ડ બિલ્ડીંગનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. જેનો જીવંત પ્રસારણ સાથેનો સિવિલ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને મેડિકલ સ્ટાફે નિહાળ્યું હતું.
પ્રોજેકટમાં ગ્રાઉન્ડ + ૧૨ માળનો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હાઉસિંગ વોર્ડ, ઓપરેટિંગ રૂમ, સ્પેશિયલ રૂમ, ઓપરેશન થિયેટર રૂમ, તાત્કાલિક સારવાર, જીરીયાટીક, ડર્મેટોલોજી, સર્જરી, સાયક્યાટ્રીક, ઇએનટી, ઓપ્થેલમોલોજી, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી જેવા વિભાગો તેમજ વહીવટી કચેરીઓ, વેઈટીંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે ડાયગ્નોસ્ટિક મશીન (એક્સ-રે, એમઆરઆઇ, સીટી સ્કેન), સર્જિકલ ઉપકરણો, દર્દીની દેખરેખ સિસ્ટમ સાથેની ૧૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનશે. તબીબી સ્ટાફ (ડોકટરો, નર્સો, ટેકનિશિયનો), વહીવટી સ્ટાફ, સહાયક સ્ટાફ (સફાઇ, જાળવણી) વગેરે માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ બનશે.
વર્તમાન કેમ્પસમાં ખૂટતી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ડિઝાઇનનો વિચાર પ્લોટ પર માન્ય એફએસઆઇને મહત્તમ બનાવવાનો છે. દર્દીઓ, તબીબી સાધનો અને કર્મચારીઓને કાર્યક્ષમ રીતે સમાવવા માટે અદ્યતન હોસ્પિટલ નિર્મિત થશે. અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ થવાથી સુરત અને દક્ષિણ ગુજરાત સાથે બોર્ડર સ્ટેટ જેમ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોના રહેવાસીઓને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર,મેડિકલ કોલેજના ડીન ડો.રાગીનીબેન વર્મા, એડિસનલ સુપ્રિ. ડૉ.ધારિત્રી પરમાર એચઓડી ટીબી અને ચેસ્ટ ડૉ.પારુલ વડગામા, આરએમઓ ડો.કેતન નાયક, નર્મદ યુનિ.ના બોર્ડ ઓફ મેનેગમેન્ટના મેમ્બર ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણ, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજ ઇન્દ્રવતી રાવ, અન્ય અધિકારીઓ, નર્સિંગ એસો.ની ટીમ, સિનિયર તબીબો,નર્સિંગના સ્ટુડન્ટો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.