જ્વેલરીની કંપનીએ હવાલાથી 2284 કરોડ વિદેશ મોકલી દીધા.
સુરતથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વધુ એક મસમોટું હવાલાકાંડ ઝડપાયું
સચીન,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરત સ્થિત સેઝ (સ્પેશ્યલ ઇકોનોમી ઝોન)માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શરણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમો પર શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
ઇડીને શંકા છે કે આ કંપનીએ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે 2284 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે. અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલાકાંડ ઝડપાયું હતું. આ તપાસ સુરત, અમદાવાદ અને આસામમાં પણ કરાઈ હતી, જેમાં કંપની અને તેની પ્રમોટર ફર્મ દ્વારા ખોટી રીતે 5000 કરોડ વિદેશ મોકલ્યા હોવાનું જણાયું છે.
ઇડીએ જણાવ્યું કે, સુરત SEZ સ્થિત કંપની અને તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક, વંશ માર્કેટિંગ, અમદાવાદ અને સુરત અને આસામના ધુબરી ખાતે આશિક પટેલ અને અન્યોની માલિકીની શરણમ જ્વેલ્સ એલએલપી (લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ) કંપનીના સ્થળો પર ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ શોધ કરવામાં આવી હતી. તપાસ વિશ્વસનીય માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી કે આ સંસ્થાઓ મોટા પાયા પર ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં સંડોવાયેલી છે. તેઓએ આયાત માટે ચૂકવણીના આધારે 2,284 કરોડ રૂપિયાની શંકાસ્પદ જાવક રેમિટન્સ કરી હતી. સુરતની ફર્મ જેમ્સ અને જ્વેલરીની આયાત અને નિકાસમાં છે અને છેલ્લા બે વર્ષમાં તેણે રૂ. 3,700 કરોડના વ્યવહારો કર્યા છે.
કંપનીએ તેના એકાઉન્ટ બુકમાં રૂ. 520 કરોડનો ક્લોઝિંગ સ્ટોક દર્શાવ્યો છે, જોકે, ભૌતિક ચકાસણી પર, રૂ. 19.7 લાખની કિંમતનો નજીવો સ્ટોક મળી આવ્યો હતો. શરણમ જ્વેલ્સ એલએલપી અને તેના સહયોગી વંશ માર્કેટિંગે અન્ય શેલ ફર્મની મદદથી આયાત અને નિકાસની આડમાં જટિલ વ્યવહારો કરી વિવિધ લોકો અને સંસ્થાઓને રૂ. 5,000 કરોડથી વધુનો હવાલો મોકલી આપ્યો હોવાની એજન્સીએ આક્ષેપ કર્યો છે. એજન્સીએ કહ્યું કે તેણે સર્ચ દરમિયાન સર્ચ કરાયેલી સંસ્થાઓની રૂ. 1.14 કરોડની બેંક ડિપોઝિટ ફ્રીઝ કરી દીધી છે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં આ કંપની અને તેના પ્રમોટર્સને ત્યાં તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી ખુલશે.