Home SURAT દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો...

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

29
0

સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ દોડશે બસો

એડવાન્સ ઓનલાઇન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ તથા GSRTC એપ્લીકેશન પરથી કરાવી શકાશે


એસ.ટી.નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬ ૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકાશે

સુરતઃ શુક્રવાર: દિવાળીના તહેવારને ધ્યાને રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુચારૂ આયોજનથી રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇ વતનમાં જવા એકસ્ટ્રા બસો દોડાવશે એમ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે,છેવાડાના માનવી સુધી એસ. ટી. બસની કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નવી બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. એસ.ટી.વિભાગના કર્મચારીઓની માંગણીઓ અંતર્ગત મુખ્યમંત્રી સાથે તબક્કાવાર બેઠકો કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં એસ.ટી.નિગમ દ્વારા દરરોજની ૮૦૦૦થી વધુ બસો ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પાડે છે.
મંત્રીએ કહ્યું કે, દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતા હોય છે. જેને ધ્યાને લઈને સૌથી વધુ એકસ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા તાઃ૭મી નવેમ્બરથી ૧૧મી નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ ૨૨૦૦ જેટલી વધુ બસો દોડાવવામાં આવશે.
રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસ નિગમની વિભાગીય કચેરીનાં ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને બ્દોની વિશેષ પુછપરછ માટે નિગમના ટોલ ફી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬ ૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.
આ વર્ષે એસ. ટી. વિભાગે ચેલેન્જ સ્વીકારી તા.૨જી નવેમ્બર થી ૧૦મી નવેમ્બર દરમિયાન દૈનિક ૧૫ બસોનો વધારો કરીને ૧૦૧ નવી એસ. ટી. બસો પ્રજાની સેવામાં મુકવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી.બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે.
સુરતથી ભાડાની વિગતો જોઈએ તો અમરેલી રૂ. ૪૦૦, સાવરકુંડલા રૂ.૪૨૫, ભાવનગર રૂ. ૩૫૦, મહુવા રૂ.૪૦૫, રાજકોટ રૂ. ૩૮૫, જુનાગઢ રૂ.૪૩૫, જામનગર રૂ. ૪૪૫, અમદાવાદ રૂ. ૨૮૦, દાહોદ રૂ. ૩૦૫, છોટાઉદેપુર રૂ.૨૭૫ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here