ગુજરાત આંગડિયા પેઢીનો કર્મચારી મુંબઇ જવા નીકળ્યો હતોઃ હીરા ભરેલી બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી તેના આધારે વલસાડ પોલીસે વાપી પાસેથી લૂંટારૂઓને દબોચ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે ત્રાટકેલા લૂંટારૂઓએ ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વરની અણીએ બાનમાં લઇ કરોડો રૂપિયાના હીરા ભરેલી બેગ લૂંટીને ભાગી ગયા હતા.
જો કે હીરા ભરેલી બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી સુરત પોલીસે લૂંટારૂઓનો પીછો કરવાની સાથે વલસાડ પોલીસની મદદથી ચાર લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આજે વહેલી સવારે સુરતની અંદાજે 45 થી વધુ હીરાની કંપનીના કરોડો રૂપિયાના હીરા લઇ ગુજરાત આંગડિયા પેઢીનો કર્મચારી મુંબઇ જવા નીકળ્યો હતો.
દરમિયાનમાં સરથાણા વિસ્તારમાં લૂંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રિવોલ્વરની અણીએ બાનમાં લઇ હીરા ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ભાગી ગયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સરથાણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ દોડી ગઇ હતી.
આંગડિયા પેઢી દ્વારા બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાનું જણાવતા પોલીસે તુરંત જ તેના આધારે લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યુ હતું. જે અંતર્ગત લૂંટારૂઓ અમદાવાદ-મુંબઇ હાઇવે ઉપર મુંબઇ તરફ જઇ રહ્યા હોવાથી તુરંત જ વલસાડ પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે લૂંટારૂ ટોળકીને વાપી પાસેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે હજી પોલીસે સત્તાવાર જાહેરાત કરી નથી.