Home SURAT સુરતનાં ભાજપ મહિલા કાઉન્સિલરે બાંધકામ માટે એક કાઉન્સિલરદીઠ 40 હજાર રૂપિયા માગ્યા,...

સુરતનાં ભાજપ મહિલા કાઉન્સિલરે બાંધકામ માટે એક કાઉન્સિલરદીઠ 40 હજાર રૂપિયા માગ્યા, AAPએ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો

49
0
ક્રાંતિ સમય

આમ આદમી પાર્ટીએ સુરતનાં ભાજપનાં મહિલા કાઉન્સિલર દ્વારા તેમના વિસ્તારમાં બાંધકામ કરવા માટે પૈસાની માગણી કરી હોવાનો સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પ્રેસ-કોન્ફરન્સ કરીને આ વીડિયો જાહેર કર્યો હતો. સ્ટિંગ ઓપરેશન મુદ્દે ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાનાં ભાજપનાં એક મહિલા કાઉન્સિલર વૈશાલી પાટીલ (વોર્ડ નંબર 29) તથા તેમના પતિ રાજેન્દ્ર પાટીલ અને ભરતભાઈએ પોતાના વિસ્તારમાં બાંધકામ કરવા માટે એક કાઉન્સિલરદીઠ 40 હજાર રૂપિયા અને ચાર કાઉન્સિલર એટલે કે વૈશાલી પાટલી, સુધાબેન પાંડે, બંશુ યાદવ અને કનુ પટેલના કુલ 1.60 લાખ રૂપિયા રાઉન્ડ ફિગરમાં એક લાખ પચાસ હજાર રૂપિયા માગ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીને પણ ત્રણ લાખ ચૂકવવા પડશે. ભાજપના કાઉન્સિલર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ સ્ટિંગ ઓપરેશનમાં કોઈ અધિકારીનું નામ લેવામાં આવ્યું નથી. સુરતની જનતા અને સાથે સાથે ગુજરાત તેમજ દેશની જનતાએ સમજવાની જરૂર છે કે તમે જેમને ચૂંટીને મોકલો છો તેઓ સુવિધાના કામને પ્રાથમિકતા આપવાની જગ્યાએ પોતાનાં ખિસ્સાં ભરવાના કામને પ્રાથમિકતા આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં જે પીડિત વ્યક્તિ છે તેણે થોડા સમય પહેલાં અમારી સમક્ષ આ બાબતની વ્યથા રજૂ કરી હતી. તેમણે તારીખ 5 એપ્રિલ 2023ના રોજ અમદાવાદ એસીબીને લેખિતમાં ફરિયાદ કરી હતી. લેખિત ફરિયાદને આજે અઢી મહિના જેટલો સમય થઈ ગયો તો પણ કોઇપણ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં નથી. ગુજરાતની ભાજપ સરકાર અને એસીબી સમક્ષ અમારી માગણી છે તેમજ ગુજરાત પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે આટલા મજબૂત પુરાવા હોવા છતાં ભાજપના કાઉન્સિલર પર કોઈપણ પ્રકારનાં પગલાં લેવાયાં નથી. આ બાબતની તપાસ થવી જોઇએ. અમે પીડિત વ્યક્તિનું નામ નહીં જણાવી શકીએ. જો એસીબી ધારે તો તેમનું નામ જાહેર કરી શકે છે અથવા તો ગુપ્ત રાહે પણ તપાસ કરી શકે છે. આમાં જે પણ લોકો આરોપી છે તેમની પર કાર્યવાહી પણ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે કોઈના પર કોઈ આરોપ નથી મૂકતા, પરંતુ અમે એસીબી સમક્ષ માગણી કરીએ છીએ કે તમામ આરોપોની તપાસ થાય અને એસઆઇટીની રચના કરીને તપાસ કરીને જે પણ લોકો ગુનેગાર છે તેમને જેલમાં મોકલવામાં આવે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને જરા પણ સહન કરતી નથી. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે પોતાના મંત્રીઓ પર પણ કાયદાકીય કાર્યવાહીઓ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે એસીબીએ એક વખત એક છટકું ગોઠવ્યું હતું, પરંતુ મહિલા કાઉન્સિલર અને તેમના મળતિયા ભરતભાઈ એ સમયે આવ્યા નહીં. તો મારો સવાલ એ પણ છે કે એસીબીએ છટકું ગોઠવ્યું છે એની જાણ આ લોકોને કઈ રીતે થઈ? આમ આદમી પાર્ટીના કે વિપક્ષના કોઈ નેતા કોઈ સામાન્ય વાત કરે તો પણ તેમના પર ફરિયાદ થઈ જાય છે, તો આ લોકો પર અત્યારસુધી તપાસ કેમ નથી થઈ? આ બાબતમાં ફરિયાદીને એક વખત જવાબ લખવા માટે પણ બોલાવ્યા હતા. ગયા મહિનાની 4 તારીખે તેમણે પોતાનો જવાબ પણ લખાવી દીધો છે અને તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વીડિયોમાં લાલ કલરના શર્ટમાં કાઉન્સિલરના પતિ રાજેન્દ્ર પાટીલ છે તથા જે બેન દેખાય છે તે વોર્ડ નંબર 29નાં ભાજપનાં કાઉન્સિલર વૈશાલી પાટીલ છે. ટીશર્ટમાં દેખાતી વ્યક્તિ ભરત પટેલ છે, જે તેમના મળતિયાના રૂપે કામ કરે છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવી કે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોર્પોરેટર દ્વારા નાણાંની માગણી કરવામાં આવી છે. એસીબીમાં ફરિયાદ થઈ છે અને એસીબીએ છટકું ગોઠવ્યું તો એની માહિતી પણ તે લોકોને પહોંચી ગઈ છે. એનો મતલબ એમ છે કે સિસ્ટમ ફૂટેલી છે. એસીબીને લેખિતમાં ફરિયાદ કર્યા છતાં પણ એસીબીએ કોઈ કાર્યવાહી નથી કરી. એનો મતલબ એવો ગણી શકાય કે સુરતના કોઈ મોટા નેતાએ એસીબી પર કોઈ દબાણ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વારંવાર આપણે જોતા આવ્યા છીએ કે ભાજપના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડવાની કોશિશ કરવામાં આવે છે અને તેઓ લાલચ આપે છે કે આમ આદમી પાર્ટીમાં રહીને ભ્રષ્ટાચાર નહીં કરી શકો તો ભાજપમાં આવી જાઓ, અહીં મહિને પાંચ લાખ રૂપિયાનો તોડ પણ કરવા મળશે અને જો કોઈ એસીબીમાં ફરિયાદ કરી દે તો ઉપરના નેતાઓ પણ એસીબીને ફોન કરીને જાણ કરી દે છે કે આમને પકડવાના નથી.

ભાજપમાં નેતાઓ કહેતા હોય છે કે આપણે નરેન્દ્ર મોદીના નામે વોટ માગીને જીતી જવાના છીએ અને જેટલો પણ ભ્રષ્ટાચાર કરીશું એને લોકો ભૂલી જવાના છે. આજે દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર છે અને કમિશન આપ્યા વગર કામ થતું નથી. તપાસના નામે પણ કંઈ થતું નથી. હું સીઆર પાટીલને વિનંતી કરું છું કે તેઓ આ ભ્રષ્ટાચારના મુદ્દે ખુલાસો કરે કે તેઓ શું માને છે. તેમણે જણાવવું પડશે કે તેઓ આ કોર્પોરેટરોને ચાલુ રાખવા માગે છે કે સસ્પેન્ડ કરવા માગે છે અને જો તેમને ચાલુ રાખવામાં આવશે તો એનો સ્પષ્ટ મતલબ થાય છે કે તેઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે.અમારી માગણી છે કે SITની રચના કરવામાં આવે અને એમાં હાઇકોર્ટના નિવૃત્ત જજના અંતર્ગત તપાસ થાય, કારણ કે અમને એસીબીમાં પણ ગડબડ હોય એવું લાગી રહ્યું છે, આ સાચું છે કે ખોટું એ તો તપાસમાં બહાર આવશે. અમારા વિપક્ષના નેતાએ પણ પુરાવા એકઠા કર્યા છે. ગુજરાતમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય તો અમે એને જોઈને બેસી રહીશું નહીં. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપના નેતાઓ વારંવાર કરી રહ્યા છે કે 50 લાખથી એક કરોડ રૂપિયા લઈને ભાજપમાં આવી જાઓ અને ત્યાર બાદ તમે ભાજપમાં આવીને લૂંટ ચલાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here