Home SURAT સુરતના કામરેજમાં ગલતેશ્વર મંદિર પાસે નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા, 1નું મોત

સુરતના કામરેજમાં ગલતેશ્વર મંદિર પાસે નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા, 1નું મોત

43
0
ક્રાંતિ સમય

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી તાપી નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયા હતા. ત્રણ પૈકી બે યુવકોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. જ્યારે લાપતા થયેલા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુરતના ડીંડોલી ખરવાસા રોડ પર રહેતા રમાકાંતભાઈ રાધેશ્યામ દુબે શાકભાજીના વેપારી છે. તેઓનો 18 વર્ષીય પુત્ર પીયુષ વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

ગત 21 જૂનના રોજ પીયુષ તેના મિત્રો ચંદ્રેશ, અભિષેક, નીતીશ સાથે કામરેજ ખાતે આવેલા ગલતેશ્વર મંદિરમાં સ્વીમીંગ પુલમાં નાહવા ગયા હતા, પરંતુ સ્વીમીંગ પુલ બંધ હોવાથી ચારેય મિત્રો મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નાહવા ગયા હતા. જ્યાં પીયુષ, અભિષેક અને ચંદ્રેશ ત્રણેય જણા નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણી સુધી પહોંચી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેથી બુમાબુમ થતા સ્થાનિક માછીમારો ત્યાં આવી ગયા હતા અને ચંદ્રેશ અને અભિષેકને બચાવી લીધા હતા. જયારે પીયુષ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. લાંબી શોધખોળ બાદ પીયુષનો મૃતદેહ મળ્યો હતો.

બીજી તરફ બનાવની જાણ પીયુષના પરિવારને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ અને ફાયર વિભાગે ઘટનાસ્થળે આવીને પીયુષની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન પીયુષની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. પીયુષના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પીયુષના પિતા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જયારે તેને 14 વર્ષની નાની બહેન અને 7 વર્ષનો એક નાનો ભાઈ છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here