સુરતના વેલંજા વિસ્તારનો આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં અંડરપાસમાંથી બસ હંકારી ચાલકે ગર્ડર તોડી નાખ્યો હતો. ગર્ડરનો એક ભાગ બસની ઉપર હોવા છતાં ખાનગી બસનો ચાલક રોકાયો નહીં અને લોખંડનો મોટો ભાગ બસના માથે હોવા છતાં મુસાફરોથી ભરેલી હંકારી મૂકી હતી. ખાનગી ટ્રાવેલ્સના ચાલકની આ ગંભીર બેદરકારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે તેમ હતું. હાલ, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો છે. વેલંજા પાસેના બ્રિજ નીચેથી અંડરપાસમાંથી કોઈ મોટું વાહન અંદર પ્રવેશી ન જાય તેના માટે ગર્ડર ગોઠવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવો ગર્ડર રેલવે સ્ટેશન અથવા શહેરના કેટલાક પ્રવેશ સ્થળ ઉપર મૂકવામાં આવે છે, જેથી કરીને વધુ ભારે વાહનો આ રસ્તામાં પ્રવેશી ન શકે પરંતુ, અહીં તો હદ થઈ ગઈ.
ઘનશ્યામ ટ્રાવેલ્સના ચાલક દ્વારા પહેલા તો આ રસ્તા પર પ્રવેશ પ્રતિબંધિત હોવા છતાં બસ તે રસ્તા પર નાંખી અને ઓછામાં પૂરું તે રસ્તા પરના ગર્ડરને તોડી નાખી સાથે લેતા ગયા. બ્રિજ નીચેથી પસાર થતી વખતે ગર્ડરની પણ ચિંતા કર્યા વગર સીધી ગાડી હંકારી દીધી હતી અને તેના કારણે ગર્ડર તૂટી ગયો હતો. ખાનગી ટ્રાવેલ્સના ચાલકને જાણે કોઈની ચિંતા ના હોય તે રીતે ગાડી હંકારતો હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યાંથી કોઈ મોટું વાહન પસાર થાય એવી સ્થિતિ ન હોવા છતાં તેણે બળજબરીથી પોતાની બસને ગર્ડર હોવા છતાં નીચેથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગર્ડર તો તૂટ્યો હતો પરંતુ, તેનો એક ભાગ બસની ઉપર જ હતો. લોખંડનો આ જાડો પટ્ટો ખૂબ જ વજનદાર હોય તે સ્વાભાવિક છે છતાં પણ ઉપરના ભાગે ગર્ડરનો એક ભાગ હોવા છતાં ગાડી હંકારતો રહ્યો, તેને કારણે આસપાસના વાહનચાલકો પણ જોતા રહી ગયા હતા. જો એ લોખંડનો આ જાડો ગર્ડરનો ભાગ કોઈ વાહનચાલક કે રાહદારી પર પડ્યો હોત તો તેને જીવનું જોખમ પણ થઈ શકે પરંતુ, ખાનગી ટ્રાવેલ્સના વાહનચાલકો કેટલી બેદરકારી રીતે ગાડી હંકારતા હોય છે તે અહીં સ્પષ્ટ જોવા મળ્યું છે.