પોલીસ સ્ટેશન હાઈટેક CCTVથી સજજ,18 મહિનાનું રેકોર્ડિંગ પણ સાચવવું પડશે.
લોકઅપ, એન્ટ્રી-એક્ઝિટ, PI-PSI ચેમ્બર સહિતની જગ્યાએ રખાશે નજર.
12 ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે તેના એક મહત્ત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમમાં, પોલીસ સ્ટેશન બહાર, વોશરૂમની બહાર પણ CCTV કેમેરા લગાવવા જોઇએ. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ CCTV કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે.
ગુજરાતમાં હાલ 650 પોલીસ સ્ટેશન આવેલા છે. ત્યારે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક CCTV લગાવવામાં આવી રહ્યા છે.પોલીસ દ્વારા પીડિતોની ફરિયાદ ન લેવી આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથની પણ ઘણી ફરિયાદો સામે આવી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાના કારણે કસ્ટોડિયલ ડેથની વિગતો મેળવી શકાતી ન હતી. પરંતુ હવે CCTV કેમેરા સજ્જ હોવાના કારણે કેવી રીતે આરોપીનું મોત થયું તેની માહિતી પણ જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

સુરતના 40 પોલીસ સ્ટેશન અને SOG-PCB કચેરીમાં 670 કેમેરા લગાવાયા.
સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરના તમામ 40 પોલીસ સ્ટેશનો તથા SOG અને PCB કચેરીઓમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં સરેરાશ 19થી 20 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ કેમેરા HD ગુણવત્તાવાળા છે. કુલ 440 ડોમ કેમેરા અને 194 બુલેટ કેમેરા મળી કુલ 670 કેમેરા લગાવવામાં આવ્યા છે. પીએસઓ (PSO) અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે લોકોનો વધુ સંપર્ક રહે છે, તેથી તેમના ચેમ્બરમાં ઓડિયો CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેથી કોઈપણ ફરિયાદ અંગે ઓડિયો અને વીડિયો આધારિત પુરાવા મળી શકે. પોલીસ સ્ટેશનોના પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના રસ્તાઓ પર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. ઘણી વખત લોકઅપમાં કસ્ટોડિયલ ટોર્ચરના આક્ષેપ થાય છે, જેથી લોકઅપની અંદર પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી આવી ફરિયાદો વખતે CCTV ફૂટેજ આધારરૂપ પુરાવા પૂરા પાડી શકે.
હાઈકોર્ટે બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં પણ CCTV જાળવવા હુકમ કર્યો.
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં યુવતીએ જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી ત્યારે તેને વસ્ત્રાપુર મહિલા પોલીસ મથકના 10 એપ્રિલથી 20 એપ્રિલ સુધીના CCTV ફૂટેજ સાચવવા માગ કરી હતી. આ માટે પરમવીરસિંહના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોનો હવાલો અપાયો હતો. એ મુજબ એક વર્ષ સુધી પોલીસ મથકના CCTV ફૂટેજ જાળવવા પડે. હાઇકોર્ટે પણ પીડિતાના પક્ષે ચુકાદો આપતાં સરકારને મહિલા પોલીસ મથકના CCTV જાળવવા હુકમ કર્યો હતો, જોકે સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, પીડિતા જ્યારે ફરિયાદ કરવા મહિલા પોલીસ મથકે ગઈ ત્યારે CCTV ફૂટેજ સાચવવા અરજી નહોતી આપી. ઉપરાંત વસ્ત્રાપુર મહિલા પોલીસ મથકે CCTV સ્ટોરેજ એક મહિનાનું જ છે. એક મહિના બાદ ઓવરરાઈટ થઈને નવું રેકોર્ડિંગ થાય છે.
