‘વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:’ મહિલા અને બાળકલ્યાણ મંત્રી.
‘આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે’: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ.
મહાનુભાવોના હસ્તે ‘માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા’ પુસ્તકનું વિમોચન કરાયું.
સુરત:શનિવાર: રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ’ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિવિધ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત સ્ત્રીઓના સશક્તિકરણ દ્વારા તેમના સર્વાંગી વિકાસ સાધવાનો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રીએ આર્થિક સ્વાવલંબિતા માટે વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ સામેના પડકારો અને તેને પહોંચી વળવાની તેમની ક્ષમતાઓ વિષે સમજ આપી કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે. ઘરની પરિસ્થિતિઓને આધિન લઘુ- નાના ઉદ્યોગ દ્વારા આર્થિક સ્વાવલંબન મેળવવા ઈચ્છતી મહિલાઓને પ્રોત્સાહન આપવા સેંકડો કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. પરિવારને આર્થિક આધાર આપી શકે એ માટે શહેર કે ગામની જરૂરિયાતમંદ મહિલાઓને એકસમાન રોજગારીની તકો મળે એ દિશામાં અવિરત પ્રયત્નો કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મહિલાઓને આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સુરક્ષા તેમજ સ્વસ્થતા પ્રદાન કરવા રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે વિસ્તારથી જણાવ્યું હતું. ગંગા સ્વરૂપા પેન્શન સહાય વિધવા સ્ત્રીઓના જીવનમાં ઓચિંતી આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા ઉપયોગી બને છે. લોન સહાય થકી મહિલા નાનો મોટો વ્યવસાય કરી શકે અને વિવિધ સરકારી મેળાઓના માધ્યમથી એ ઉત્પાદનના વેચાણની અને આર્થિક ઉપાર્જનની ઉજ્જવળ તકો મેળવે છે. સાથે જ તેમણે મહિલા સુરક્ષા માટે કાર્ય કરતી ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો ઉલ્લેખ કરી દરેકને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ દરેક મહિલાઓને પારસ્પરિક મદદની ભાવના સાથે કામ કરવા અને આગળ વધવાની હિમાયત કરી મહિલાઓ સહિત દરેકને વડાપ્રધાનશ્રીના મેક ઈન ઈન્ડિયા અભિયાનને સફળ બનાવવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો. જેથી મહિલાઓને વધુ સશકત અને સુરક્ષિત બનાવી ભારતને વિશ્વગુરુ બનવાની દિશામાં આગેકૂચ કરવાના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાથે મળી સાકારિત કરી શકાય.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલે મહિલાઓને શિક્ષિત અને સશક્ત બનાવી સમાજનો વિકાસ સાધવા તેમજ મહિલા સશક્તિકરણ- મહિલાઓને આર્થિક રીતે સક્ષમ, સુદ્રઢ, સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર મહિલાઓ પરિવારની સાથે સમાજમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે,જે મહિલાઓ અંગે સમાજનો દૃષ્ટિકોણ બદલવામાં મદદરૂપ નીવડે છે.
તેમણે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે કાર્યરત NRLM(નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) યોજનાનો ઉલ્લેખ કરી વાર્ષિક એક લાખ કે તેનાથી વધુ ઉપાર્જન કરી ‘લખપતિ દીદી’ બનાવવાના સરકારના પ્રયાસોની વિગતો આપી ઉમેર્યું કે, સુરત જિલ્લામાં કુલ ૧૫ હજારથી વધુ લખપતિ દીદી છે. તેમજ ટૂંક સમયમાં આ આંકડો ૩૪ હજાર સુધી પહોંચે તેવો જિલ્લા વહીવટી તંત્રનો લક્ષ્યાંક હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડીડીઓશ્રીએ ગામમાં, શેરી મહોલ્લાઓમાં વસતી મહિલાઓને આર્થિક સધ્ધરતા માટે સ્વસહાય જૂથ બનાવી રિવોલ્વિંગ ફંડનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું. મલ્ટી ટાસ્કિંગમાં ઉત્કૃષ્ટ મહિલાઓને એકબીજાના પ્રેરણાસ્ત્રોત બનવા અનુરોધ કરી ડીડીઓશ્રીએ દરેક મહિલાને દિકરા – દીકરીમાં ભેદભાવ વિના તેઓને સુશિક્ષિત બનાવી મનગમતા ક્ષેત્રમાં આગળ વધારવા હિમાયત કરી હતી. જેથી વિકસિત ભારતમાં શિક્ષિત મહિલાઓનો મહિલાઓનો ફાળો પણ મહત્તમ રહે.
આ પ્રસંગે મહિલા અને બાળ સુરક્ષા અધિકારીશ્રી રાધિકા ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કે.વી.લકુમ સહિત અન્ય કર્મચારીઓ, સ્ત્રી ચેતનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શેલજા અંધારે, સ્થાનિક અધ્યક્ષ શ્રી ચેતનાબેન, સચિવ ડિમ્પલ સુરતી, મહિલા આર્થિક વિકાસ નિગમના કુમુદ યાજ્ઞિક, અન્ય સભ્યો ડૉ કીર્તિબેન સુરતી, નીપા શુક્લા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.