ગ્રીન ગ્રોથ અને દેશના સસ્ટેનેબલ વિકાસમાં મહત્વનો ફાળો આપતી યોજનાનો સુરતીઓનો બહોળો પ્રતિસાદ
સુરતના સંકેત શ્રોફને ૬ વર્ષથી થઈ રહ્યો છે બમણો લાભ: વીજળી બિલ શૂન્ય અને વધારાના યુનિટની બચત
તાજેતરમાં અમલી બેનેલી પીએમ સૂર્યઘર વીજળી યોજનામાં પણ સરકારની સબસિડી મળવાપાત્ર:
સુરત:મંગળવાર: રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યૂચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે. જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ કરી શકાય છે.
રાજ્યભરમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલી “સૂર્ય ગુજરાત” રેસિડેન્સિયલ રૂફટોપ સોલાર યોજનાને સુરતવાસીઓએ આવકારી તેનો મહત્તમ લાભ લીધો છે. જેમાં અઠવાગેટ સ્થિત દિવાળીબાગ ખાતે રહેતા સંકેતભાઈ શ્રોફનો પણ સમાવેશ થાય છે. માતા-પિતા સાથે ચાર વ્યકિતનો પરિવાર ધરાવતા સંકેતભાઈને સુરત સહિત અન્ય ૪ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી રૂફટોપ સોલાર યોજના વિષે માહિતી મળતા જ તેમણે રસ દાખવી યોજના અંગે જરૂરી માહિતી મેળવી લીધી હતી. અને માસિક વપરાશના આધારે પોતાના ઘરે ૩kv સોલાર પેનલ્સ ઈન્સ્ટોલ કરાવી હતી. જેમાં ૪૦ ટકા સબસિડી મળતા ૮૦ હજારના ખર્ચે આ યોજનાનો લાભ મેળવ્યો હતો.
વર્ષ ૨૦૧૯થી રૂફટોપ સોલાર યોજનાનો લાભ લેતા સંકેતભાઈ જણાવે છે કે, શરૂઆતથી જ આ યોજના દ્વારા મને બમણો લાભ થઈ ગયો છે. પહેલા માસિક રૂ.૧૫૦૦ સુધી આવતું વીજબિલ છેલ્લા ૬ વર્ષોથી શૂન્ય જેવુ જ થઈ ગયું છે. અને સાથે જ વધારાના યુનિટો પ્રતિમાસ જમા થતાં ઉનાળાના સમયમાં એ.સી.નો વપરાશ વધતા બિલ સરભર થઈ જાય છે. સાથે જ પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના વપરાશને કારણે પર્યાવરણને થતું નુકસાન પણ ઘટાડી શકાય છે, જે એકંદરે સૌના જીવનધોરણમાં સુધારો કરે છે.
રાજ્યસરકાર દ્વારા અપાતાં સોલાર સિસ્ટમના પ્રોત્સાહનને બિરદાવતાં તેઓ દરેકને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહનને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા.૦૫-૦૮-૨૦૧૯ના રોજ ‘સૂર્ય-ગુજરાત યોજના’ હેઠળ સબસીડી આપવામાં આવતી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ‘ગ્રીન અને ક્લીન એનર્જી’ના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ એક કિલો વોટ થી ૨ કિલો વોટ સુધી ૩૦,૦૦૦ અને ૨ કિલો વોટ થી ૩ કિલો વોટ સુધી રૂ. ૧૮૦૦૦ તથા ૩ કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂ.૭૮,૦૦૦ની સબસિડી આપવામાં આવે છે. યોજના હેઠળ લોકો પોતાની મનગમતી કંપની પસંદ કરીને સોલાર ઈન્સ્ટોલ કરાવી શકે છે. યોજનાનો લાભ મેળવવા માટે pmsuryaghar.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને લાભ મેળવી શકાય છે. જેના કારણે પણ લોકો મોટી સંખ્યામાં પોતાની અગાસી પર સોલાર પેનલો લગાવી રહ્યા છે. પર્યાવરણની દ્રષ્ટ્રિએ પણ રિન્યુએલબ એનર્જી આશીર્વાદરૂપ બની છે.