કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ
હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
સુવાલીમાં રાજ્યના ૧૪ જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલાની ચીજવસ્તુઓ વેચી શકે એ માટે ૪૫ સ્ટોલ્સ ઉભા કરી વિનામૂલ્યે ફાળવવામાં આવશે: વનમંત્રી મુકેશભાઇ પટેલ
દોરડા ખેંચ, ઊંટ તથા ઘોડેસવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ સહિત દેશી અને પરંપરાગત રમતો યોજાશે
ખાણીપીણીના સ્ટોલ્સમાં સખીમંડળની બહેનોની મિલેટ્સની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ
સુરતઃશનિવારઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીના રોજ આયોજિત બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે, જે સરાહનીય છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુવાલીના દરિયાકિનારે લોકો આવીને સૌદર્યનો લહાવો લઈ શકે તે માટેની ખૂટતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં આવનારા દિવસોમાં સુવાલીમાં વન વિભાગ દ્વારા નગરવન, સુડા દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે એડવેન્ચર પાર્ક નિર્માણ પામશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, સુવાલીમાં રાજ્યના ૧૪ જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે ૪૫ સ્ટોલ્સ ઉભા કરી તેમને વિનામૂલ્યે ફાળવવામાં આવશે. આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં ન્હાવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતને ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજય સરકારે રૂ.૪૮ કરોડની માતબર ફાળવણી કરી છે. બીચ સુધી આવવા માટે ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા અડાજણથી દૈનિક ધોરણે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રૂ.૨.૨૦ કરોડના ખર્ચે સરકીટ હાઉસ પણ મંજૂર થઈ ચુકયું છે. બીચનો વિકાસ થવાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે.
શ્રી દેસાઈએ ઉમેર્યું કે, સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી/સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા/તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.
નોંધનીય છે કે, સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે. અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. સુવાલીમાં આપણને મિની ગોવાની ઝલક મળે છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય મનુ પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, અધિક પોલીસ કમિશનર શ્રી કે.એન.ડામોર, તા. પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ,જિલ્લા સંગઠનના પ્રમુખ ભરત રાઠોડ, મામલતદારશ્રી નીરવ પરિતોષ, મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ અને ગ્રામજનો, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.