જીઆવ-બુડિયા તરફ કોર્ટ બિલ્ડિંગ લઇ જવાની હિલચાલ વચ્ચે મંગળવારે વકીલોએ ખાસ સભા બોલાવી હતી, જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે જીઆવ-બુડિયા જવું નથી. સાથે કેટલાક ઠરાવ પાસ કરાયા હતા જે મુજબ વકીલો હવે કલેકટરને આવેદન આપવા મહારેલી પણ યોજશે. ઉપરાંત લાલ પટ્ટી બાંધી લોક અદાલત, મીડિએશન સેન્ટરની કાર્યવાહીનો પણ વિરોધ કરશે. મહિલા વકીલોએ પણ વિરોધ નોંધાવી કહ્યું કે, મહિલાઓ માટે આ એરિયા સેઇફ નથી. પોલ્યુશનનો ઇશ્યુ છે. એડવોકેટ પ્રીતિ જોષીએ કહ્યું કે સિટીથી દૂર કોર્ટ હોય તો વકીલોની સાથે લોકોને પણ તકલીફ પડશે. તેમણે ગ્રીન ટ્રીબન્યુનલમાં જવાની પણ વાત કરી હતી. એડવોકેટ દીપક પોકાષે કહ્યું કે હવે લડી લેવામાં આવશે. કલેકટર બંગલો કે ખેતીવાડીની જગ્યાનો કબજો લઇને કોર્ટ સંકુલ મોટું કરી શકાય છે.
સુરતની અઠવાલાઈન્સ કોર્ટ બિલ્ડીંગને સુચિત જીયાવ-બુડીયા ખાતે સ્થળાંતરના વિરોધના મુદ્દે મંગળવારે વધુ એકવાર વકીલોની ખાસ સામાન્ય સભામાં અગ્રણી વકીલોના મંતવ્યો બાદ આજથી લોક અદાલત-મીડીએશન સેન્ટરમાં વકીલોએ સેવા આપવાનું બંધ કરવા તથા લાલ રીબન પહેરીને મુખ્ય જિલ્લા સેશન્સ કોર્ટની કાર્યવાહીમાં સ્વેચ્છાએ ભાગ ન લેવા સહિતના વિવિધ ઠરાવ સર્વાનુમતે પસાર કર્યા છે. સુરત જિલ્લા વકીલ મંડળની સામાન્ય સભામાં અગાઉ સર્વાનુમતે બે વખતે અઠવાલાઈન્સ કોર્ટ બિલ્ડીંગના 15 થી 20 કીલોમીટર દુર પ્રદુષિત,હેવી ટ્રાફિક ધરાવતા જીયાવ-બુડીયાની સુચિત જગ્યામાં કોર્ટ સ્થળાંતરની સામે વિરોધ વ્યક્ત કરી ત્યાં જવા સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. વકીલોએ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ સાથે વકીલોના પ્રશ્નોના મુદ્દે રૃબરુ મળીને વિગતવાર રજુઆત કરી હતી. જેથી હાઈકોર્ટે સુરતના પ્રતિનિધિમંડળને સુરત કલેકટર સાથે મળીને વિશાળ કોર્ટ સંકુલ માટે 50 હજાર ચો.મી.ના વૈકલ્પિક જગ્યા શોધવા નિર્દેશ આપ્યો હતો. જો કે વકીલોએ હાલની કોર્ટ બિલ્ડીંગ સંલગ્ન જગ્યા સહિત સાત જેટલી વિવિધ વૈકલ્પિક જગ્યાઓ સુચવી હતી. જેને ટેકનિકલ કારણોસર નકારી કાઢવામાં આવી હતી. પરંતુ તે અંગેના દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા નહોતા.