Home Blog Page 55

સચિનના તલંગપુરમાં ઘરની બહાર રમી રહેલા બે વર્ષીય બાળકને ટેમ્પો ચાલકે અડફેટે લેતાં મોત

0
ક્રાંતિ સમય

સુરતના સચીન વિસ્તારમાં તલંગપુર રોડ પર આવેલી શિવસાંઈ સોસાયટીમાં ઘરની બહાર રમતાં બે વર્ષના બાળકને ટેમ્પોના ડ્રાઈવરે અડફેટે લેતા બાળકનું મોત થવાની ઘટના સામે આવી છે. સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં તલંગપુર રોડ પર આવેલા શિવસાંઈ સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર કુશવાહ મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુરના વતની છે. વિરેન્દ્ર કુશવાહ સંચા ખાતામાં કામ કરીને પત્ની અને બે સંતાનોનું ભરણ- પોષણ કરે છે. નાનો પુત્ર જસવંત જે 2 વર્ષ નું છે. ઘર બહાર બાળમિત્રો સાથે રમી રહ્યો હતો.

તે સમયે એક ટેમ્પોના ડ્રાઈવરે બેદરકારીથી ટેમ્પો ચલાવીને બે વર્ષીય જસવંતને અડફેટે લેતાં જસવંતને ગંભીર ઇજા થઈ હતી. દરમિયાન જ ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. ટેમ્પો ચાલકે અડફેટે લેતા બાળકના કમરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

સુરત શહેરના અલથાણમાં પાર્ટી પ્લોટમાં યુવકનું કરંટ લાગતા મોત

0
ક્રાંતિ સમય

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં એક 35 વર્ષીય યુવકનું કરંટ લાગતા મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાન અને હાલ અલથાણ વિસ્તારમાં 35 વર્ષીય શ્રવણ રામ પરિવાર સાથે રહેતો હતો. અલથાણમાં જ આવેલા ડીબી પાર્ટી પ્લોટમાં છેલ્લા 10 વર્ષથી આઇસક્રીમનું પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન પાર્ટી પ્લોટના વીજળીના થાંભલાને યુવકનો હાથ લાગી જતા કરંટ લાગ્યો હતો. જેથી યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા યુવકને ફરજ તબીબે મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ પહોંચી પરિવારના નિવેદન લીધા હતા. જયારે શ્રવણના મોતના પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે, ભરૂચ-સુરત પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ

0
ક્રાંતિ સમય

પશ્ચિમ રેલ્વેના વડોદરા – સુરત રેલ્વે વિભાગના સાયન – કીમ સ્ટેશનો વચ્ચે LC નંબર 153 (km-281/28-30) પર અને સંજલી-કોસંબા સ્ટેશન વચ્ચે LC નંબર 166 પર ગર્ડર લોન્ચ કરવા માટે 14 જૂન, 2023 (બુધવાર) ના રોજ એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે, કેટલીક ટ્રેનો રૂટ પર રેગ્યુલેટેડ (લેટ) થશે.

રદ કરાયેલી ટ્રેન

ટ્રેન નંબર 09082 ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ રદ રહેશે.

રૂટ પર રેગ્યુલેટેડ ટ્રેનો

ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 02 કલાક રેગ્યુલેટેડ (લેટ) થશે.

ટ્રેન નંબર 09075 મુંબઈ સેન્ટ્રલ – કાઠગોદામ એક્સપ્રેસ 01 કલાક 15 મિનિટ રેગ્યુલેટેડ (લેટ) થશે.

ટ્રેન નંબર 19015 દાદર – પોરબંદર એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટેડ (લેટ) થશે..

ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 20 મિનિટ રેગ્યુલેટેડ (લેટ) થશે.

ટ્રેન નંબર 22949 બાંદ્રા ટર્મિનસ – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટેડ (લેટ) થશે.

ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટથી તેના રેગ્યુલર સમયના બદલે 2 કલાક મોડી ઉપડશે.

શહેરના અડાજણમાં નવનિર્મિત બિલ્ડિંગના પાંચમા માળેથી પટકાતા મજૂરનું મોત, રોજગારી અર્થે 5 મહિના પહેલાં સુરત આવ્યો હતો

0
ક્રાંતિ સમય

સુરતના અડાજણમાં નવનિર્મિત બિલ્ડિંગના પાંચમા માળેથી પટકાતા મજુરનું મોત થયું છે. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. મૂળ બિહારનો 19 વર્ષીય મોહમદ તૌફીક અડાજણમાં ગેલેક્સી સર્કલ પાસે બની રહેલી બિલ્ડિંગમાં મજૂરી કામ કરતો હતો. 5 મહિના પહેલા ભાઈ સાથે વતન બિહારથી સુરત રોજગારી અર્થે આવ્યો હતો અને નવનિર્મિત બિલ્ડિંગમાં જ રહેતો હતો.મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. આજે બિલ્ડિંગમાં કામ કરવા માટે પાંચમા માળે ગયો હતો.

અચાનક યુવક પાંચમા માળેથી નીચે પટકાયો હતો. જેથી સાથી કામદારો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને પરિવારના નિવેદન નોંધી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. યુવકના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ વતન બિહાર લઈ જવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું.

સુરતમાં મેટ્રો ટ્રેનના અધિકારીઓની બેદરકારી, લંબે હનુમાન રોડ પર મેટ્રોના કામગીરી બાદ 4 દિવસ પહેલા બનાવેલા રોડ પર ભુવા પડયા

0
ક્રાંતિ સમય

સુરતમાં ચાલતી મેટ્રોની કામગીરીને કારણે ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે તેવો મેટ્રોનો દાવો પોકળ હોવાનું સામે આવ્યું છે. મેટ્રો દ્વારા કામગીરી પુરી કર્યા બાદ યોગ્ય પુરાણ કે વોટરીંગ ન કરતા લંબે હનુમાન રોડ વિરાટ નગરથી સાગર સુધી ચાર દિવસ પહેલા જ રોડ બનાવ્યો હતો. તેમાં મોટા ભુવા પડી ગયા છે. આ કામગીરી મેટ્રોની છે તેથી પાલિકાએ મેટ્રોના અધિકારી સાથે બેઠક કરીને આ ક્ષતિ તાત્કાલિક દુર કરવા માટે સૂચના આપી છે. જે રોડ પર ભુવા પડ્યા છે તે વિસ્તારમાં નાના મોટા વાહનોની અવરજવર સતત રહે છે. આ અંગેની ફરિયાદ બાદ પાલિકા તંત્ર પણ દોડતું થયું છે. પાલિકાએ મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરીને આ ભુવા પુરવાની અને યોગ્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવા માટે સુચના પણ આપી છે.

હાલમાં મેટ્રો દ્વારા કાપોદ્રાથી રેલવે સ્ટેશન સુધીના અન્ડર ગ્રાઉન્ડ રુટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દરમિયાન થોડા સમય પહેલાં જ વરાછા ઝોનમાં આવેલા લંબે હનુમાન રોડથી વિરાટ નગર સુધીના રોડ પર કામગીરી કરી હતી અને ચાર દિવસ પહેલા કામગીરી પુરી થતાં રોડ પણ બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ રોડ બનાવવા પહેલા વોટરિંગ અને પુરાણની કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાથી આજે સવારથી આ રોડ પર અનેક જગ્યાએ મોટા ભુવા પડી ગયા છે.

સુરતમાં ભારે પવનના લીધે વીજપોલ તૂટીને બાઇક પર પડ્યો, ચાલતી બાઇક પરથી પડી જતાં મહિલા ઘાયલ

0
ક્રાંતિ સમય

સુરતમાં વાવાઝોડાની અસર સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. બે દિવસથી 30થી વધુ ઝાડ પડી ગયા છે. 50 કિમીની આસપાસની ઝડપે સુરતમાં પવન ફૂંકાઇ રહ્યો છે. આ પવન સામે તકેદારીના ભાગ રૂપે પાલિકાએ જોખમી હોર્ડિંગ્સ દૂર કરી દીધા છે. દરમિયાન રાંદેર વિસ્તારમાં કોઝવે નજીક નબળો લાઇટ પોલ ભારે પવનના કારણે તૂટીને એક દોડતી બાઇક પર પડ્યો હતો. બાઇટ પર એક મહિલા અને પુરુષ સવાર હતા. તેમાંથી મહિલા ઉપર લાઇટ પોલ પડતાં ઇજા થઈ હતી. આ બનાવ બનતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતી હતી. આ બનાવ બાદ પાલિકા તંત્ર પણ દોડતું થયું છે અને વીજ પોલ ખસેડવાની કામગીરી કરવા સાથે સાથે અન્ય પોલની ચકાસણીની કામગીરી પણ હાથ ધરી છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ માટે સેલ્ફી ઝોન, પ્રવેશ આપવા સાથે યાદગીરી રૂપે સેલ્ફી લેવામાં આવી

0
ક્રાંતિ સમય

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં પ્રવેશોત્સવમાં સતત બીજા દિવસે ધોરણ 1માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા દિવસની જેમ જ આજે બીજા દિવસે પણ ધોરણ 1માં પ્રવેશ આપવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી અને પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓના કુમકુમ પગલાં બનાવીને તેમના વાલીને આપવામાં આવ્યા હતા. બીજા દિવસની પ્રવેશોત્સવની પ્રક્રિયામાં કોમી એખલાસ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સુરત પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 164 અને શાળા ક્રમાંક 156 ની શાળા ઉર્દુ માધ્યમના શાળા છે અને આ બન્ને શાળામાં લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ વિદ્યાર્થીઓને પણ ધોરણ 1માં પ્રવેશ આપવામા આવ્યો ત્યારે અન્ય માધ્યમની જેમ જ લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને પણ  કુમકુમ પગલાં કાગળમાં પાડીને તે પગલાં તેમના પ્રવેશની યાદગીરી રૂપે તેમના વાલીઓને આપવામાં આવ્યા હતા. આ ઉપરાતં પાલિકાની સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ વખતે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો. તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અને મહાનુભવો સેલ્ફી પાડીને તેમના વાલીઓને યાદગીરી રૂપે આપવામાં આવતી હતી. પાલિકા દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે  કરવામાં આવતી પ્રવૃત્તિના કારણે પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સુરત શહેરના લીંબાયત પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા પીએસઆઈ ડી.એચ.વાઘેલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ

0
ક્રાંતિ સમય

સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત પીએસઆઈએ લીંબાયત વિસ્તારની 42 વર્ષીય પરપ્રાંતીય મહિલા સાથે ચાર મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ લીંબાયત પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા તેના પતિ અને ચાર બાળકો સાથે રહે છે. તેમના પુત્રની ઓળખ નવ વર્ષ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ડી.એચ. વાઘેલા સાથે થઈ હતી. મહિલા ટિફિન સર્વિસનું કામ કરતી હતી અને PSI વાઘેલા એકલા રહેતા હતા જેઓ ક્યારેક મહિલા પાસેથી ટિફિન મંગાવતા હતા તો ક્યારેક મહિલાના ઘરે જમવા જતા હતા. આમ તેમનો મહિલા સાથે ઘર જેવો સંબંધ હતો. વર્ષો સુધી આવા સંબંધ રહ્યા બાદ પીએસઆઈ નિવૃત્ત થયા હોવા છતાં મહિલાના ઘરે આવતા હતા.

ગત 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન મહિલાના બે બાળકો બહારગામ ફરવા ગયા હતા. જયારે એક બાળક 8મી ની રાત્રે માસીના ઘરે ગયો હતો. તેના પતિ પણ નાઈટ શિફ્ટમાં નોકરીએ ગયા હતા. ત્યારે નવમીની મળસ્કે પાંચ વાગ્યે પીએસઆઈ વાઘેલા મહિલાના ઘરે આવ્યા હતા અને અંદરના રૂમમાં સુતેલી મહિલાની બાજુમાં સુઈ જઈ અડપલાં કરતા તે જાગી ગઈ હતી. પીએસઆઈ વાઘેલાએ મહિલા સાથે દુષ્કર્મ આચરી કેસ કરવાની અને કોઈને જાણ કરી તો જોઈ લેવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. બદનામીની બીકે મહિલાએ તે સમયે કોઈને જાણ કરી નહોતી. જોકે, બાદમાં પતિ અને બાળકોને જાણ કર્યા બાદ ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવાનું શરુ, શાળામાં ચાલતા પ્રવેશોત્સવમાં મંડપ બનાવ્યા હોય તો ઉતારી લેવા આદેશ

0
ક્રાંતિ સમય

દરિયામાં આવી રહેલા બિપર જોય વાવાઝોડાની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં ભારે પવન ફૂંકાવાની શરૃઆત થતાંની સાથે જ સુરતમાં ચાલી રહેલા પ્રવેશોત્સવમાં સ્કૂલમાં જો કોઈ મંડપ બનાવવામાં આવ્યા હોય તો તેને ઉતારી લેવા માટે તમામ સ્કૂલમાં સુચના આપી દેવામાં આવી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં પ્રવેશોત્સવનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજથી ત્રણ દિવસ માટે સુરતની શાળામાં પ્રવેશોત્સવ મોટા પાયે રાખવામાં આવશે. હાલમાં ચાલી રહેલી ગરમીના કારણે કેટલીક સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવા માટે મંડપ બનાવવામાં આવ્યા છે. જોકે, હાલ વાવાઝોડાના કારણે પવન ફૂંકાઈ રહ્યો હોય સુરત પાલિકાની તમામ સ્કુલને પણ તાકીદ કરવામાં આવી છે. તમામ સ્કૂલમાં એક જાહેર સુચના આપવામા આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે,  બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી હાલ ચાલતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે જો કોઈ શાળામાં મંડપ બનાવેલ હોય તો તાત્કાલિક ઉતારી લેવા સૂચના આપવામાં આવે છે તેમજ કોઈ શાળામાં હોર્ડીંગ્સ કે છૂટ્ટા બોર્ડ લગાવેલ હોય તો તે પણ ઉતારી લેવા.

બિપર જોય વાવાઝોડાની અસરથી સુરત મ્યુનિ.ના કર્મચારીઓને 15 જૂન સુધી રજા નહી મળે

0
ક્રાંતિ સમય

સુરત, દરિયામાં ઉભા થયેલા બિપર જોય વાવાઝોડાની અસરથી સુરતમાં પવન ફૂંકાઈ રહ્યો છે. ફાયર વિભાગની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવા સાથે સાથે કર્મચારીઓની રજા ૧૫ જૂન સુધી રદ્દ કરવાનો આદેશ થયો છે. આ ઉપરાંત તમામ ઝોનમાં કંટ્રોલશુરુ કરીને તમામ વિભાગ સાથે સંકલનમાં રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં જે જર્જરિત ઇમારતો છે તેમાંથી વસવાટ ખાલી કરાવી દેવા માટે પણ સુચના આપવામા આવી છે. જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા એજન્સીઓને સૂચના અપાઇ છે.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, શેલ્ટર હોમ તૈયાર કરવા ટીમની તૈયારી પણ કરી દેવાઇ છે. જાનમાલની સલામતી માટે ફાયર વિભાગને તાકીદ કરાઇ છે. ફાયર વિભાગ ની 18 ટીમ તૈયાર છે. ભારે પવનના કારણે શહેરમાં વૃક્ષ પડી જાય તો મોટા વૃક્ષ ના તાત્કાલિક કટીંગ માટે 74 મશીન ગોઠવી દેવામાં આવ્યા છે. ફાયર વિભાગની ૩૨ બોટ છે તેને પણ તૈનાત કરવામાં આવી છે. ફાયર વિભાગના 600 જેટલા લાઈફ સેવિંગ જેકેટ છે તે સહિતના સાધનોને રેડી રાખવા માટે ફાયર વિભાગને સૂચના આપવામાં આવી છે. આજે 20થી વધુ સ્થળે વૃક્ષતૂટી પડયા હતા તેને તાત્કાલિક દુર કરાયા હતા.