ગુજરાતના બે મહત્ત્વના પુલનું નિર્માણ કરનારી કન્સ્ટ્રક્શન કંપની અને બિહારના ધરાશાયી પુલની કન્સ્ટ્રક્શન કંપની એક જ છે. હરિયાણાની એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ જ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ અને ડભોઇ-સિનોર-માલસર-એસ રોડ, નર્મદા નદી પુલ પણ બનાવી રહી છે. હાલ બંને પુલનું કન્સ્ટ્રક્શન કામ પૂરું થવાના આરે છે અને નજીકના દિવસોમાં જ એનું ઉદઘાટન કરવામાં આવશે. ભાજપની સરકારે ગુજરાતમાં જે કન્સ્ટ્રકશન કંપનીએ બિહારનો પુલ બનાવ્યો છે એ જ કંપનીને રૂપિયા 1 હજાર કરોડના કન્સ્ટ્રક્શનનાં કામો હાલમાં આપેલાં છે.
ભાગલપુરમાં રવિવારને 4 જૂને જે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો એનું ગુજરાત સાથે કનેકશન છે. આ પુલ તૂટવાનાં દૃશ્યો કેમેરામાં કેદ થવા પામ્યાં હતાં. પુલના એક પછી એક ભાગ તૂટી રહ્યા છે, એ દૃશ્ય ખૂબ જ હચમચાવી દેનારાં અને આશ્ચર્યજનક છે. બિહારના ખગરિયામાં 1,717 કરોડ રૂપિયાના ખર્ચે અગુવાની સુલતાનગંજ ગંગા પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ પુલના તૂટવાથી એક હજાર કરોડના ખર્ચે બની રહેલા ગુજરાતના બે મહત્ત્વના બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઊઠી રહ્યા છે. એવી પણ માગ ઊઠી રહી છે કે બંને બ્રિજનું ઉદઘાટન પહેલાં થર્ડપાર્ટી એક્સપર્ટ ટીમ પાસે આ બ્રિજોની ચકાસણી કરાવવી જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત બ્રિજ તૂટવાની ઘટનાઓથી ગુજરી ચૂક્યું છે. મોરબીમાં કેબલે બ્રિજ તૂટવાની ઘટનાએ 100 જેટલા લોકોનો ભોગ લીધો હતો. જ્યારે અમદાવાદમાં મામતપુરા બ્રિજનો સ્લેબ તૂટ્યો હતો અને હાટકેશ્વર બ્રિજ બન્યાના બે જ વર્ષમાં દયનીય હાલતના કારણે બંધ કરવો પડ્યો હતો. બિહાર સરકાર દ્વારા આ કંપનીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.