રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ મળી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારના આ કાયદાને જાણે શાળાઓ ગણકારતી ન હોય તેવી સ્થિતિ સુરતમાં ઊભી થઈ છે.કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસે આવેલી વી.આર.ગોધાણી સ્કૂલના સંચાલકો દ્વારા ઘણા ખરા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હોવાનું સામે આવી રહ્યો છે. બાળકો જ્યારે પ્રવેશ પ્રક્રિયા માટે શાળાએ પહોંચ્યા હતા ત્યારે શાળાએ સ્પષ્ટ શબ્દોમાં પ્રવેશના આપવા માટેની વાત કરી હતી જેને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા RTE એડમિટ કાર્ડ આપ્યું છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ શાળામાં તમે મારા બાળકને અભ્યાસ કરવા માટે લઈ જઈ શકો છો.
છતાં પણ શાળાના સંચાલકોની દાદાગીરી એવી હતી કે તેમણે અમને પ્રવેશ તો ન જ આપ્યો પરંતુ અમે ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું કે કયા કારણથી અમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. તો એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. આખરે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જઈને અમારી રજૂઆત કરી આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.