શહેરની તમામ પોલીસચોકી, પોલીસ સ્ટેશનોની પોલીસ ઈન્સ્પેક્ટરની કેબિનોમાં સીસીટીવી ઈન્સ્ટોલ
ગુજરાતમાં પ્રથમ વખત સુરતના તમામ PI CCTVની રડારમાં,PCR વાનમાં પણ બોડી કેમેરા ફરજિયાત

સુરતઃ સુરત શહેરની તમામ પોલીસ ચોકીઓમાં પીઆઈ કેબિનમાં સીસીટીવી કેમેરા લગાડી દેવાયા છે. પીઆઈ શું કામગીરી કરે છે કે શું વાત કરે છે તે તમામ વિગતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ડીજી તેમની ઓફીસમાથી સીધી જોઈ શકશે. હાલમાં ગુજરાતમા મોટાભાગના પીઆઈ કે પીએસઆઈ ફરિયાદી કે આરોપી સાથે વાતચીત કરતી વખતે તેમના મોબાઈલ ફોન બહાર મૂકાવી દેતા હતા. હવે સીસીટીવી કેમેરા જ ઈન્સ્ટોલ કરી દેવામાં આવતા પીઆઈઓ સીધા રડારમાં આવી ગયા છે.
આ ઉપરાંત પીએસઆઈઓની ચેમ્બરોમાં પણ સીસીટીવી કેમેરા લગાડાશે. દરમિયાન સુરતમાં તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાડી દેવાયા છે, આ સીસીટીવી કેમેરા દ્વારા શહેરના 90 કરતા વધારે પીઆઇઓ પર સીધી દેખરેખ રાખી શકાશે.
રસ્તા પર પોલીસની તોડબાજી બંધ થશે, નિર્દોષો સામેની ખોટી ફરિયાદો પર અંકુશ આવશે
રાજ્ય સરકારે પોલીસની કામગીરીને સીધી સીસીટીવી હેઠળ લાવી દેતા હવે રસ્તા પર તોડબાજી કરવાનું વિવાદી પોલીસ જવાનોને ભારે પડશે. આ ઉપરાંત પોલીસ જે ખોટી ફરિયાદો નિર્દોષ લોકો સામે ઉભી કરતી હતી તે વાત કેટલી સાચી છે તે હવે બોડી કેમેરાથી સીધી જોઇ શકાશે. સરવાળે પોલીસ હવે કાગળ પર જે ગુનો બનાવતી હતી તે બનાવી શકશે નહીં.

ઓપરેશન વેળા દર ચાર જવાને એકને, ઉપરાંત પીસીઆર વાનમાં પણ બોડી કેમેરા રાખવા પડશે
શહેરના જે તે પોલીસ સ્ટેશન હોય કે પછી ડીસીબી, પીસીબી અને એસઓજીના પોલીસ જવાનોને જો કોઇ ઓપરેશન સોંપાયુ હશે, તો દર ચાર જવાને એકને બોડી કેમેરો સોંપાશે. તેથી તેઓ શું કામગીરી કરી રહ્યા છે તે સીધું જોઇ શકાશે. જ્યારે પીસીઆર વાનમાં પણ આ જ રીતે જવાનોએ બોડી કેમેરા રાખવાના હશે. પીસીઆર ક્યાં ફરી રહી છે, ક્યાં ઉભી રહી છે તે તમામ વિગતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધી જોઇ શકશે.
શું કહે છે પોલીસ કમિશનર
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે હાલમાં સુરતના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી દેવાયા છે. આ ઉપરાંત હવે તેઓ પીસીઆર વાન કે પછી પોલીસ જવાનો પાસે પણ બોડી કેમેરા હોવાને કારણે તેઓ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધા જ તમામ કામગીરી જોઇ શકશે.

